અમદાવાદમાં ઉમિયાધામ શિલાન્યાસ મહોત્સવમાં અમિત શાહ હાજરી આપશે, રેલવે ઓવરબ્રિજ સહિતના પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે

શનિવાર, 11 ડિસેમ્બર 2021 (09:23 IST)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદના સોલામાં ઉમિયાધામ મંદિરના શિલાન્યાસ સમારોહમાં હાજરી આપશે.  ગુજરાતની ટુંકી મુલાકાત દરમિયાન અમિત શાહ ગાંધીનગર સંસદિય મતક્ષેત્રમાં 275 કરોડના વિકાસકામોના લોકાર્પણ અને ખાતમૂર્હત પણ કરશે. ઉમિયા માતાજીના મંદિર નિર્માણ કાર્યક્રમમાં અમિત શાહ સહિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત રહેવાના છે. 13મી ડિસેમ્બરે વડાપ્રધાન મોદી આ શિલાન્યાસ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાશે અને વર્ચ્યુઅલી સંબોધન કરશે. 
 
મતવિસ્તારમાં વિવિધ પ્રોજેક્ટોનું લોકાર્પણ કરશે
અમિત શાહ આજે સવારે 11 કલાકે સોલા સ્થિત ઉમિયાધામ શિલાન્યાસ વિધીમાં હાજરી આપશે. ત્યાર બાદ સાંજે પાંચ કલાકે  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલ 4 લેન રેલવે ઓવરબ્રિજ અને વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે. AMC દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે, અમિત શાહ રાણીપ વિસ્તારમાં બગીચા માટે ભૂમિ પૂજનમાં સામેલ થશે અને સરખેજ અને ગોતા ખાતે તળાવ બ્યુટિફિકેશન પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન પણ કરશે. શાહ અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે.
 
તમામ રાજકીય પક્ષના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે
ઊંઝા ઉમિયાધામના ચેરમેન બાબુભાઈ જમનાદાસ પટેલે જણાવ્યું હતું કે 1500 કરોડના ખર્ચે મંદિર બનવા જઈ રહ્યું છે. આ સંસ્થા અમદાવાદનું હૃદય છે. ધર્મ સંકુલ, શિક્ષણ સંકુલ સહિતની નવી ઈમારતો બનાવવામાં આવશે. સમાજનાં 1200 કરતાં પણ વધુ દીકરા-દીકરીઓ માટે સ્કૂલથી લઈને માસ્ટર ડીગ્રી સુધીની વ્યવસ્થા કરાશે. સૌને સાથે રાખીને કડવા પાટીદારો આગળ ચાલી રહ્યા છે. પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા કેસો પાછા ખેંચવા મુદ્દે બાબુ જમનાએ જવાબ આપવાનો ઈનકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે અહીં માત્ર ઉમિયાધામની જ વાત કરાશે. માતાજીની સંસ્થામાં કોઈ રાજનીતિ નથી, તમામ રાજકીય પક્ષના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.
 
ઉમિયાધામ સંસ્થા બધા સમાજને સાથે રાખીને કામ કરતી સંસ્થા
ઊંઝા ઉમિયાધામના માનદ મંત્રી દિલીપ પટેલે કહ્યું હતું કે ઉમિયાધામ સંસ્થા સર્વે સમાજને સાથે રાખીને કામ કરતી સંસ્થા છે. અંબાજી, બહુચરાજી સહિત અમારી સંસ્થાઓ લોકોને મદદરૂપ થાય છે. અમદાવાદમાં 74 હજાર વાર સાથે ભવ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે. ભોજનાલય પણ બનાવવામાં આવશે. રહેવાની હોસ્ટેલ પણ બનાવવામાં આવશે. નાગરશૈલીની પ્રાચીન થીમ પર ભવ્ય મંદિર બનશે. 255 ફૂટ,160 ફૂટ અને 132 ફૂટ શિખર કળશ સાથેનું ભવ્ય મંદિર બનશે. મંદિરમાં ક્યાંય લોખંડ નહીં વપરાય. 51 હજાર કરોડના મંત્રો સાથે પોથીયાત્રા નીકળશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર