ભાજપના અધ્યક્ષને દર્શન કરાવવા અંબાજી મંદિર બે દિવસ વહેલું ખોલાશે

શુક્રવાર, 28 ઑગસ્ટ 2020 (14:52 IST)
કોરોનો સંક્રમણના ભયને કારણે હજી ઘણાં મંદિરો ખોલ્યા નથી ત્યારે ગુજરાત ભાજપના પ્રદેશાધ્યક્ષ સી.આર. પાટિલને અંબાજીના દર્શન કરવાના હોવાથી અંબાજી મંદિર ત્રણ દિવસ વહેલું ખોલી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત પ્રદેશ ભાજપના નવા નિયુક્ત થયેલા અધ્યક્ષ સી.આર. પાટિલ ત્રીજી સપ્ટેમ્બરે અંબાજી મંદિરના દર્શને જવાના હોવાથી બીજી સપ્ટેમ્બરથી અંબાજી મંદિર ખોલી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અંબાજી મંદિરના સંચાલક મંડળે જ ભાદરવી પૂનમ હોવાથી 25 લાખથી વધુ માનવ મહેરામણ ઉમટવાની સંભાવનાને ધ્યાનમાં લઈને 24મી ઓગસ્ટથી ચોથી સપ્ટેમ્બર સુધી મંદિર બંધ રાખવાનો નિર્ણય લીધો હતો.  બનાસકાંઠાના જિલ્લા મેજિસ્ટ્રેટે 10મી ઓગસ્ટે એક જાહેરનામું બહાર પાડીને ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 144 તથા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-2005ની કલમ 34 હેઠળ જાાહેરનામું બહાર પાડીને ભાદરવી પૂર્ણિમાના મહામેળામાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું કઠિન  હોવાનું જણાવીને તેને 24 ઓગસ્ટથી ચોથી સપ્ટેમ્બર સુધી અંબાજીનું મંદિર બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. માત્ર મંદિરના કર્મચારીઓની અવરજવર માટે જ મંદિર પરિસર ખુલ્લું રાખવામાં આવ્યું હતું. તાજેતરમાં સી.આર.પાટીલની રેલીમાં ભાગ લેનારા સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના મહામંત્રી જગદીશ મકવાણા અને નાગરીક પુરવઠા ખાતાના રાજ્યકક્ષાના મંત્રી હકુભા જાડેજાને પણ કોરોના થયો છે. અંબામાતાના ભક્તો 27મી ઓગસ્ટથી બીજી સપ્ટેમ્બર સુધી માતાના દર્શન માટે સંઘો લઈને ગુજરાતના ગામેગામથી અંબાજી પગપાળા આવે છે. જોકે સીઆર પાટીલ માટે બે દિવસ વહેલા મંદિરના દ્વાર ખોલી દેવાનો નિર્ણય લેનારાઓએ ભક્તો માટે મંદિરના દ્વારા ખોલવા દેવામાં આવશે નહિ. તેમને તો માત્ર ઓનલાઈન દર્શનનો જ લાભ આપવામાં આવશે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર