ડાંગ માટે મે ના ત્રીજા સપ્તાહે પણ સારા સમાચાર : "કોરોના" ના રિકવરી રેટમાં જોવા મળ્યો સુધારો

સોમવાર, 24 મે 2021 (11:29 IST)
ગુજરાતના છેવાડે આવેલા ડાંગ જિલ્લામા ગત એપ્રિલ માસ દરમિયાન 'કોરોના'ની માઠી અસર જોયા બાદ સદનસીબે, મે ના પ્રથમ સપ્તાહ બાદ સતત બીજા અઠવાડિયે, અને હવે ત્રીજા સપ્તાહે પણ રિકવરી રેટ વધવા સાથે મૃત્યુ દરમા ઘટાડો નોંધાવા પામ્યો છે. 
 
ડાંગના પ્રજાજનોને સુરક્ષિત રાખવા માટે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ જિલ્લા પ્રશાસને અનેકવિધ પગલાઓ લઈને જાહેર સ્વાસ્થ્ય અને સલામતી માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. તો બીજી તરફ જિલ્લાના જાગૃત જનપ્રતિનિધિઓએ પણ વ્યાપક જનસમર્થન કેળવીને 'કોરોના' સામેની લડાઈમા અગ્રેસર ભૂમિકા ભજવતા, ગત માસની સરખામણીએ મેં માસના પ્રથમ, દ્વિતિય, અને તૃતિય સપ્તાહના અંતે 'કોરોના' ના રિકવરી રેટ અને મૃત્યુ દરમા ખાસ્સો એવો સુધારો વર્તાયો છે. જેને લઈને ડાંગ જિલ્લામા આશાનુ નવુ કિરણ દેખાઇ રહ્યુ છે. 
 
ઉલ્લેખનિય છે કે, ડાંગ જિલ્લામા ગત માસ એટલે કે એપ્રિલ ૨૦૨૧ દરમિયાન "કોરોના"ના નવા નોંધાયેલા ૩૦૫ કેસોની સામે ૧૮૯ દર્દીઓ સ્વસ્થ થયા હતા. જેથી અહીં એપ્રિલ માસનો રિકવરી રેટ ૬૧ ટકા નોંધાયો હતો. જ્યારે ચાલુ માસ એટલે કે મે ૨૦૨૧ દરમિયાન એટલે કે તા.૭/૫/૨૦૨૧ સુધી નવા ૭૭ કેસો સામે ૧૧૬ દર્દીઓને તેઓ સાજા થતા રજા આપવામા આવી હતી. 
 
જેથી મે માસના પ્રથમ સાત દિવસનો ડાંગ જિલ્લાનો રિકવરી રેટ ૧૫૦.૬૪ ટકા જેટલો રહેવા પામ્યો હતો. સાથે ડાંગ જિલ્લામા માહે એપ્રિલ અંતિત નોંધાયેલા ૪૮૯ કેસો સામે ૧૮ દર્દીઓના અવસાન (ડેથ રેટ ૪.૯ ટકા) પણ નોંધાયા છે. જેની સામે મે માસના પ્રથમ સાત દિવસો દરમિયાન નોંધાયેલા ૭૭ નવા કેસો સામે ૩ અવસાન (ડેથ રેટ ૩.૮૯ ટકા) નોંધાયો હતો. 
 
બીજા સપ્તાહમા ગત તા.૮/૫/૨૦૨૧ થી તા.૧૪/૫/૨૦૨૧ સુધી ડાંગ જિલ્લામા નોંધાયેલા ૬૨ કેસો સામે ૬૦ દર્દીઓ સાજા થતા અહીં બીજા સપ્તાહનો રિકવરી રેટ ૯૬.૭૭ ટકા નોંધાયો છે. જ્યારે સપ્તાહ દરમિયાન એક દર્દીનુ અવસાન થતા ડાંગ જિલ્લાનો બીજા સપ્તાહનો મૃત્યુ દર ૧.૬૧ ટકા રહેવા પામ્યો છે. 
 
તો ત્રીજા સપ્તાહે એટલે કે તા.૧૫ થી ૨૧/૫/૨૦૨૧ સુધી જિલ્લામા નોંધાયેલા ૨૯ કેસો સામે ૬૧ દર્દીઓ સજા થતા અહીં ત્રીજા સપ્તાહનો રિકવરી રેટ ૨૧૦.૩૪ ટકા નોંધાયો છે. જ્યારે સપ્તાહ દરમિયાન ૧ દર્દીનુ અવસાન થતા ત્રીજા સપ્તાહનો મૃત્યુ દર ૩.૪૪ ટકા રહેવા પામ્યો છે. 
 
ડાંગના પ્રજાજનોને કોરોના સંક્રમણથી બચાવવા માટે અસરકારક રીતે 'વેકસીનેસન' ડ્રાઇવ પણ ચાલી રહી છે. જે મુજબ જિલ્લામા તા.૨૧/૫/૨૦૨૧ સુધી ૨૧૦૧ (૮૪ ટકા) હેલ્થ કેર વર્કરો, ૪૯૧૯ (૯૮ ટકા) ફ્રન્ટ લાઇન વર્કરો, અને ૨૮૦૫૨ (૪૫+) ૪૮ ટકા નાગરિકો મળી કુલ ૩૫૦૭૨ લોકોને વેકસીન આપી દેવામા આવી છે. 
 
ડાંગ કલેકટર શ્રી ભાવિન પંડ્યા દ્વારા જિલ્લામા 'વેકસીનેસન' માટે વિશેષ લક્ષ કેન્દ્રિત કરાયુ છે. જે મુજબ વેકસીનેસન માટેના કાર્યક્રમને રિશીડ્યુલ કરીને નવો કાર્યક્રમ જાહેર કરાયો છે. 
 
જે મુજબ ગત તા.૨૦ના રોજ જિલ્લાના સિવિલ હોસ્પિટલ સહિત વઘઇ, શામગહાન, અને સુબિર સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતે, અને તા.૨૧ ના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પિમ્પરી, ગલકુંડ, સાકરપાતળ, અને શીંગાણા ખાતે સ્પેશિયલ ડ્રાઇવનુ અયોજન કરાયુ હતુ. 
 
જ્યારે તા.૨૨ ના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ગાઢવી, સાપુતારા, ઝાવડા, અને ગારખાડી ખાતે, તા.૨૩ ના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પિમ્પરી, ગલકુંડ, કાલીબેલ, અને પીપલદહાડ ખાતે, તા.૨૪ ના રોજ સિવિલ હોસ્પિટલ આહવા સહિત વઘઇ, શામગહાન, અને સુબિર સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતે, તા.૨૫ ના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પિમ્પરી, ગલકુંડ, સાકરપાતળ, અને શીંગાણા ખાતે, તા.૨૬ ના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ગાઢવી, સાપુતારા, ઝાવડા, અને ગારખાડી ખાતે, તા.૨૭ ના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાકરપાતળ, શિંગાણા, કાલીબેલ, અને પીપલદહાડ ખાતે, તા.૨૮ ના રોજ સિવિલ હોસ્પિટલ આહવા સહિત વઘઇ, શામગહાન, અને સુબિર સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતે, તા.૨૯ ના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પિમ્પરી, ગલકુંડ, સાકરપાતળ, અને શીંગાણા ખાતે, તા.૩૦ ના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ગાઢવી, સાપુતારા, ઝાવડા, અને ગારખાડી ખાતે, તથા તા.૩૧/૫/૨૦૨૧ ના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પિમ્પરી, ગલકુંડ, કાલીબેલ, અને પીપલદહાડ ખાતે 'વેકસીનેસન'ની કામગીરી હાથ ધરાશે. જેનો પાત્રતા ધરાવતા પ્રજાજનોને મોટી સંખ્યામા લાભ લેવા જિલ્લા પ્રશાસને અનુરોધ કર્યો છે. 
 
ડાંગવાસીઓની સ્વયં શિસ્ત સાથે 'મારુ ગામ, કોરોના મુક્ત ગામ' અભિયાનને કારણે આગામી દિવસોમા ડાંગ જિલ્લાને ફરીથી 'કોરોના મુક્ત' બનાવવાની પ્રતિબદ્ધતા સાથે કામ કરતા પ્રસાશનિક અધિકારીઓના પ્રયાસોમા પ્રજાકીય ઇચ્છાશક્તિ ભળતા ડાંગ જિલ્લામાથી 'કોરોના' ને ટૂંક સમયમા જ 'ગામવટો' અપાશે તેવો હકારાત્મક માહોલ હાલ તો ખડો થવા પામ્યો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર