ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યોજાતી તમામ પરીક્ષા હવે ઓનલાઈન લેવામાં આવશે તે પ્રકારની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. મળતી માહિતી મુજબ, ગૌણ સેવા પસંદગી મંડળ હવે ઉમેદવારોની સંખ્યાને આધારે પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવા જઈ રહી છે. જે પરીક્ષા અત્યાર સુધી માત્ર એક જ દિવસમાં લેવામાં આવતી હતી તેમાં પણ ફેરફાર કરીને એક કરતાં વધારે દિવસ સુધી પરીક્ષા લેવા માટેની વિચારણા ચાલી રહી છે. જે નવી પરીક્ષા પદ્ધતિ અમલમાં લાવવામાં આવનાર છે, તેમાં સંપૂર્ણપણે ઓનલાઈન પરીક્ષા લેવામાં આવશે. એટલે કે, પેપરલેસ પરીક્ષા લેવા માટેનું આયોજન ગૌણ સેવા પસંદગી મંડળ કરી રહ્યું છે.એકસાથે 15 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તે પ્રકારે કોમ્પ્યુટરાઈઝ્ડ એક્ઝામ સિસ્ટમ અમલમાં લાવવામાં આવશે. જેની કામગીરી ટીસીએસ કંપનીને સોંપવામાં આવશે. આમ, પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર આવવાને કારણે ગેરરીતિ કે પેપર લીક થવાના પ્રશ્નો ઉપસ્થિત થશે નહીં તેમ ગૌણ સેવા પસંદગી મંડળના સત્તાધીશો માની રહ્યા હોય તેમ લાગે છે.