AIMIMના પ્રમુખ સાબીર કાબલીવાલાનેધમકી, મેં સિદ્ધુ મૂસેવાલાનું મર્ડર કર્યું છે, મને તમને મારવાની સોપારી મળી છે

બુધવાર, 15 જૂન 2022 (17:40 IST)
પંજાબના સિંગર સિદ્ધૂ મૂસેવાલાની હત્યાની ચર્ચાઓ હજી શાંત નથી થઈ ત્યાં અમદાવાદમાં અસદુદ્દિન ઓવૈસીની પાર્ટીના ગુજરાતના પ્રમુખ સાબિર કાબલીવાલાને કોઈ અજાણ્યા શખ્સે ફોન કરીને ધમકી આપી હતી કે, મેં સિદ્ધૂ મૂસેવાલાનું મર્ડર કર્યું છે અને તમને મારવાની પણ સોપારી મને મળી છે. ફોન કરનાર શખ્સે તેમની પાસે પૈસાની માંગ પણ કરી હતી. તેમણે આ ફોન પર મળેલી ધમકી અંગે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યા બાદ બોલિવૂડ એક્ટર સલમાનખાનને પણ મારી નાંખવાની ધમકી મળી હતી. સલમાનના પિતા સલીમ ખાને પત્ર ખોલીને વાંચ્યો હતો. જેમાં લખ્યું હતું કે, સલમાન ખાન ટૂંક સમયમાં તમારો મુસેવાલા હશે.AIMIMના ગુજરાતના પ્રમુખ સાબીર કાબલીવાલાએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ ગઈકાલે રાતે આસ્ટોડિયા દરવાજા પાસે ગાડીમાં બેઠા હતા ત્યારે અજાણ્યા નંબર પરથી તેમના ફોન પર વૉટસએપ કોલ આવ્યો હતો. જેમાં ફોન કરનારે પોતાની ઓળખ ઇમરાન તરીકે આપીને કહ્યું કે પંજાબના સિંગર સિદ્ધૂ મૂસેવાલાનું મેં મર્ડર કર્યું હતું અને હવે તમારી પણ સોપારી મને સતયુગ મહારાજે આપી છે.વૉટસએપ વીડિઓ કોલમાં બે હજારની નોટોના બંડલ ભરેલી બેગ બતાવીને કહ્યું હતું કે તમે માણસ સારા છો. મેં તપાસ કરી છે. તમે મને આટલા રૂપિયા આપતા હોય તો હું તેને ઠોકી દઉ. તમારી ગાડી જ્યાં હોય ત્યાં જ ઉભી રાખી દો મારા માણસ તમારી આગળ પાછળ જ છે. હું તમને બે કલાકનો સમય આપું છું અને એક એકાઉન્ટની વિગત મોકલું છું. તેમ કહીને ફોન મૂકી દીધો હતો અને બાદમાં મેસેજ કરીને બેંકની વિગત મોકલી હતી. ત્યાર બાદ 12 જેટલા કોલ કર્યા હતા. જે કાબલીવાલાએ ઉપડ્યા નહોતા. સિદ્ધુ મુસેવાળાનો મર્ડરનો વીડિયો પણ મોકલ્યો હતો. આ શખ્સે સતત વૉટસએપ કોલ કરવાનું ચાલુ રાખ્યુ હતું. જે કાબલી વાલાએ ઉપાડ્યા નહોતા. કાબલીવાલાએ ફોન નહીં ઉઠાવતા તેણે એક ઓડીઓ મોકલ્યો હતો જેમાં તેણે કહ્યું હતું કે આપ ફોન નહીં ઉઠા રહે કોઈ બાત નહીં તીન દિન કી વોર્નિંગ દેતા હું. કલ આપ ફોન કરતે હો તો ઠીક હે મોસ્ટ વેલકમ આપકો, ઈસ તીન દિનમે જો ભી સપને હે પુરે કર લેના શોખ પુરે કર લેના ચોથા દિન આખરી દિન હોગા આપકા તેવી ધમકી આપી હતી. ધમકીઓ આપ્યા બાદ પણ તેના સતત ફોન ચાલુ રહ્યાં હતાં. આ બાબતે ગંભીરતા દાખવી સાબીર કાબલીવાલાએ કંટ્રોલ રૂમમાં ફોન કરી દીધો હતો. પોલીસ આવતા તેમની સાથે પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ નોંધાવી હતી. ગાયકવાડ હવેલી પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર