8.8 ડિગ્રી સાથે સિઝનનો બીજો સૌથી ઠંડો દિવસ,નલિયા કરતાં ઓછું તાપમાન અમદાવાદમાં નોંધાયું

સોમવાર, 31 જાન્યુઆરી 2022 (08:44 IST)
સૂકા ઠંડા પવનોની અસરથી રવિવારે અમદાવાદમાં 8.8 ડિગ્રી તાપમાન સાથે સિઝનનો બીજો સૌથી ઠંડો દિવસ નોંધાયો હતો. રાજ્યમાં 6.3 ડિગ્રી સાથે ગાંધીનગર સૌથી ઠંડું હતું. રાજ્યના પાંચ શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રીથી નીચે ગયો હતો.

સોમવારથી સમગ્ર રાજ્યમાં ઠંડીનું જોર ઘટવાની હવામાન વિભાગની આગાહી છે. રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2.0 ડિગ્રી વધીને 31.1 ડિગ્રી તેમજ લઘુત્તમ તાપમાન 4.1 ડિગ્રી ગગડીને 8.8 ડિગ્રી નોંધાયું હતું. ગત 24 જાન્યુઆરીના રોજ અમદાવાદમાં 10 વર્ષ બાદ સૌથી નીચુ 6.7 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું. ત્યારબાદ રવિવારે શિયાળાની સિઝનમાં અમદાવાદમાં ઠંડીનો પારો બીજીવાર ગગડીને 8.8 ડિગ્રી પહોંચ્યો હતો. બપોર પછી ગરમીમાં સામાન્ય વધારો નોંધાયો હતો. 24 કલાકમાં અમદાવાદના તાપમાનમાં વધારો થતાં ઠંડી ક્રમશ: ઘટશે. કોલ્ડ વેવની અસરો ઘટતાં છેલ્લાં બે દિવસથી રાજ્યમાં ઠંડીમાં સામાન્ય ઘટાડો નોંધાયો હતો. પરંતુ, રવિવારે મોડી રાતથી શરૂ થયેલા સુકા ઠંડા પવનોની અસરથી રાજ્યના પાંચ શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રી નીચે જયારે અન્ય તમામ શહેરોમાં ઠંડીનો પારો 11થી 14 ડિગ્રી વચ્ચે નોંધાતા સમગ્ર રાજ્યમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું. આગામી અઠવાડિયામાં રાજ્યમાં ગરમીમાં વધારો થવાની શક્યતા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર