નકલી સોફટવેરથી ગરીબોનું અનાજ સગેવગે કરનારા 49 લોકો સામે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધ્યો

શનિવાર, 26 જૂન 2021 (18:56 IST)
રાજ્યમાં સરકાર દ્વારા ગરીબોને આપવામાં આવતું સસ્તું અનાજ બારોબાર સગેવગે કરવાનું રાજ્યવ્યાપી કૌભાંડ બહાર આવ્યું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 49 કાળાબજારિયાઓ સામે ગુનો નોંધીને આઠ કૌભાંડીની ધરપકડ કરી છે. આરોપીઓ નકલી સોફ્ટવેર બનાવી એમાં ડેટા કોપી કરી લેતા હતા. જેઓ અનાજ લેતા ન હતા તેમના નામે અનાજ લઈ વેચી દેતા હતા.

પોલીસે આરોપીઓ પાસેથી મોબાઇલ લેપટોપ, CPU સહિત રૂપિયા 1.64 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપીઓએ જે ગ્રાહક અનાજ લેવા માટે ન આવે તે લોકોના ફિંગરપ્રિન્ટ અને ડેટા સોફ્ટવેર મારફત કોપી કરી લેતા અને એ ડેટા તારીખ જતી રહ્યા પછી અપડેટ થઈ જાય તો એને આધારે અનાજ બારોબાર સગેવગે થઈ જતું હતું. હાલ આ રાજ્યવ્યાપી કૌભાંડ મોટી કંપનીઓ સાથે કનેક્ટ હોવાની શંકા પોલીસ નકારી રહી નથી. ગરીબ લોકોને મળતું અનાજ બારોબાર વેચવાના કૌભાંડમાં ઓનલાઈન બિલ બનાવવામાં આવતું હતું. દીપક ઠાકોર એમએસસી આઇટી ભણેલો છે, જેણે આ કૌભાંડમાં ઉપયોગ લેવા માટે સોફ્ટવેર બનાવી આપ્યું હતું. વચેટિયાને પણ રૂપિયા આપવામાં આવતા હતા. આરોપીઓ પૈકી ત્રણ આરોપી અગાઉ મામલતદાર કચેરીમાં ડેટા-ઓપરેટર તરીકે કામ કરતા હતા. પોલીસ તપાસમાં આરોપીઓ સસ્તા અનાજના દુકાનદારો તેમજ વચેટિયાઓ સાથે મળી સસ્તા અનાજની દુકાનમાં જે રેશનકાર્ડધારકો મહિને અનાજ ખરીદ કરેલી ન હોય તેવા રેશનકાર્ડધારકના નામે આર્થિક ફાયદો મેળવવા ખોટા ઓનલાઇન બિલો બનાવવા આયોજનબદ્ધ રીતે કાવતરું ઘડ્યું હતું અને ખોટા ઓનલાઇન બિલો પણ બનાવ્યા હતા, જેમાં રેશનકાર્ડધારકનું નામ, સરનામું, રેશનકાર્ડ નંબર, આધાર કાર્ડ નંબર, આંગળાની પ્રિન્ટનો ડેટા જેવા સર્વર સોફ્ટવેર બનાવી એમાં આ ડેટા કોપી કરી રાખી એનો ઉપયોગ કરતા હતા.જે લોકોએ મહિને રાશન ખરીદ્યુ ન હોય તે રાશનકાર્ડધારકના નામ પર ખોટાં બિલો બનાવડાવી સાચા તરીકે ઉપયોગ કરી કૌભાંડ આચર્યું હતું. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 49 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધી છે, જેમાં આનંદ ઠક્કર તેમજ રફિકભાઈ મહેસાણિયા તથા જાવેદ રંગરેજ સહિત 49 લોકોનો સમાવેશ થાય છે, જેમાં 20 આરોપી રેશનકાર્ડધારક સંચાલક હોવાનું બહાર આવ્યું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર