ગુજરાતમાં શિક્ષકોની હેવાનિયાત, પાદરામાં સસ્પેન્ડ તો સાબરકાંઠામાં પોક્સો હેઠળ ફરિયાદ

બુધવાર, 16 ઑગસ્ટ 2023 (17:08 IST)
Gujarat teacher
આણંદની સેન્ટમેરી સ્કૂલના શિક્ષક સામે ધોરણ પાંચની વિદ્યાર્થીનીની છેડતીની ફરિયાદ 
 
Kevi Rite Bhanshe Gujarat - ગુજરાતમાં શિક્ષણના ધામમાં શિક્ષકો હેવાન બની રહ્યાં છે. સાબરકાંઠામાં સ્કૂલના શિક્ષકે ચોકીદારની દિકરીની છેડતી કરવાની ઘટના બની હતી. આ ઘટના બાદ વિદ્યાર્થીનીના પિતાને 10 હજાર આપી મામલો દબાવવાની કોશિશ કરવામાં આવી હતી. સ્કૂલના શિક્ષક પર દારૂ પીને સ્કૂલમાં રોકાવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.ત્યારે આ શિક્ષક સામે પોક્સોની ફરિયાદ કરવામાં આવી છે. બીજી બાજુ આણંદમાં પણ શિક્ષકે ધોરણ પાંચની વિદ્યાર્થીનીની જાતિય સતામણી કરી હોવાની ઘટના સામે આવી છે. 
 
વિદ્યાર્થીનીની માતાને જાણ થતાં જ શિક્ષકનો ભાંડો ફૂટયો
પ્રાપ્ત વિગતો પ્રમાણે આણંદની સેન્ટ મેરી સ્કૂલના શિક્ષકની કરતૂત સામે આવી છે. શિક્ષકે ધોરણ પાંચની વિદ્યાર્થીનીના હાથ પર બચકુ ભર્યું છે. પરીક્ષામાં વિદ્યાર્થીનીને ઓછા માર્ક્સ આવતાં બ્લેકમેલ કરી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. આ બાબત વિદ્યાર્થીનીની માતાને જાણ થતાં જ શિક્ષકનો ભાંડો ફૂટી ગયો છે. આ ઘટનામાં વધુ તપાસ હાથ ધરાઈ છે. 
 
પાદરામાં પણ શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યો
બીજી તરફ વડોદરાના પાદરામાં પણ શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. પાદરાના અભોર ગામની પ્રાથમિક સ્કૂલમાં આચાર્ય સામે ગંભીર આક્ષેપ થયાં હતાં. વિદ્યાર્થીનીને શૌચાલયમાં લઈ જઈને અશ્લિલ વીડિયો બતાવવાનો તેની પર આરોપ લગાવવામાં આવ્યો છે. આચાર્યની આ કરતૂત સામે આવતાં ગામલોકોએ હોબાળો મચાવ્યો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર