72 વર્ષ બાદ ભગવાન નવા રથમાં બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળશે, આજે નવા રથની પૂજન વિધિ થઈ

શનિવાર, 22 એપ્રિલ 2023 (13:37 IST)
અષાઢી સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી સાથે લોકોને સામેથી દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળતા હોય છે. 72 વર્ષ બાદ આ વર્ષે ભગવાન નવા રથમાં બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળશે. જૂના રથની ડિઝાઇન અને તેના માપ મુજબ જ નવા રથ બનાવવામાં આવ્યા છે. રથની ઊંચાઈ અને પહોળાઈ જૂના રથ પ્રમાણે જ છે. એકમાત્ર નાનો ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં રથની વચ્ચે ભગવાનને બેસાડવામાં આવે છે અને બાજુમાં જે પિલર બનાવવામાં આવેલા છે, તેની જગ્યામાં વધારો કરવામાં આવ્યો છે.

જગન્નાથપુરી મંદિરની થીમ ઉપર કલર આપવામાં આવનાર છે તે મુજબ કલર કરવામાં આવશે. 22મી જૂને ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા યોજવાની છે, ત્યારે આજે શનિવારે અખાત્રીજના દિવસે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના રથનું પૂજન કરવામાં આવ્યું હતું. અખાત્રીજના દિવસે ભગવાનને ચંદનનો શણગાર કરવામાં આવતો હોય છે. રથનું પૂજન કરી અને રથની કામગીરીની શરૂઆત થતી હોય છે. જમાલપુર જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, ટ્રસ્ટી મહેન્દ્ર ઝા, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આજે રથનું પૂજન કરવામાં આવ્યું હતું.વર્ષોથી ભગવાન જગન્નાથના રથનું સમારકામ કરનાર અને રથ ખેંચનાર મહેન્દ્રભાઈ ખલાસે જણાવ્યું હતું કે, વર્ષ 1950માં નવા રથ બનાવવામાં આવ્યા હતા. 72 વર્ષ બાદ આ વર્ષે 73માં વર્ષે નવા રથમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી નવા રથમાં બિરાજમાન થઈ અને નગરચર્યાએ નીકળવાના છે. આ વર્ષે નવા રથ બનાવવાના હોવાથી દિવાળી બાદ લાકડા આવવાનું અને નાનું-મોટું કામ શરૂ થઈ ગયું હતું. આ રથ બનાવવામાં ત્રણ મહિના જેટલો સમય લાગ્યો છે.જમાલપુરના જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે નવા રથમાં ભગવાન બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળશે. ગયા વર્ષે નવા રથ બનાવવાની વાત થઈ હતી અને આ રથનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. આ વર્ષે રથ બનીને તૈયાર થઈ ગયા છે. નવા રથની ડિઝાઇનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જૂના રથ પ્રમાણે નવા રથ બનાવવામાં આવ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર