રાજ્ય સરકાર ગાંધીનગર દુષ્કર્મ કેસના આરોપીને ફાંસીની સજા માટે હાઇકોર્ટમાં રજૂઆત કરાશે: હર્ષ સંઘવી

ગુરુવાર, 2 ડિસેમ્બર 2021 (10:25 IST)
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ તાજેતરમાં ગાંધીનગરમાં બનેલી રેપની ઘટના સંદર્ભે માહિતી આપતા કહ્યું કે, પોક્સો કાયદા અંતર્ગત રાજ્ય સરકારની પરિણામલક્ષી કામગીરી દ્વારા રેપની ઘટનાના આરોપીને ન્યાયતંત્ર દ્વારા આજીવન કેદની સજાની સજા ફટકારવામાં આવી છે. 
 
તેમણે રાજ્યની પોલીસને અભિનંદન આપતા કહ્યું કે, ગાંધીનગર પોલીસ, તબીબોની ટીમ અને એફએસએલની ટીમની અથાક મહેનતથી માસૂમ બાળકીઓને ન્યાય અપાવવામાં સફળતા મળી છે. પાંચમી તારીખે ઘટના બન્યાના ગણતરીના કલાકોમાં જ રાજ્ય પોલીસ દ્વારા આરોપીને પકડી લેવામાં આવ્યો હતો અને આજે માત્ર ચોવીસ જ દિવસમાં એ આરોપીને ન્યાયતંત્ર દ્વારા સજા પણ ફટકારવામાં આવી છે. હાઇકોર્ટમાં રાજ્ય સરકાર દ્વારા ફાંસીની સજા માટે પણ રજૂઆત કરાશે.
 
તેમણે ઉમેર્યું કે, રાજ્ય પોલીસે ગુનેગારોને સજા અપાવવાની સાથે સાથે બાળકીઓનું જીવન સુધરે તેવા પણ પ્રયાસો હાથ ધર્યા છે. ગાંધીનગર પોલીસે બાળકીને સંપૂર્ણ સારવાર મળે તે માટે તમામ વ્યવસ્થા કરી છે. સારવાર દરમિયાન બાળકીઓ સાથે મહિલા પોલીસ  કર્મીઓએ પણ સતત હાજર રહી હૂંફની લાગણી દાખવી હતી. જ્યાં સુધી બાળકીઓની સંપૂર્ણ સારવાર પૂર્ણ ન થાય ત્યાં સુધી આ બાળકીઓ તેમના પરિવારજનો સાથે ગાંધીનગર પોલીસ સાથે રહેશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાત સરકાર કેન્દ્ર સરકારના પોકસો કેસ સંદર્ભેની ગાઇડલાઈનને અનુસરીને આ કામગીરી કરી રહી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર