સરકારનો કુલ ઋણ બોજ વર્તમાન નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટના અંતે વધીને ૧૪૭.૧૯ લાખ કરોડ થયો છે. આ ઋણબોજ જુનમાં પૂરા થયેલા પ્રથમ ક્વાર્ટરના અંતે ૧૪૫.૧૯ લાખ કરોડ હતો. ટકાવારીના સંદર્ભમાં જોઈએ દેવામાં ત્રિમાસિક ધોરણે ૧.૧ ટકાનો વધારો થયો છે. સપ્ટેમ્બર ૨૦૨૨-૨૩ના અંતે જાહેર દેવુ કુલ જવાબદારીના ૮૯.૧ ટકા હતુ. જે જુન ૨૦૨૨ના અંતના ૮૮.૩ ટકાની તુલનાએ વૃદ્ધિ દર્શાવે છે, નાણા મંત્રાલય દ્વારા જાહેર ઋણ અંગેનો ત્રિમાસિક અહેવાલ જાહેર કરવામાં આવે છે.
બીજા ક્વાર્ટરમાં કેન્દ્ર સરકારે ૪,૦૬,૦૦૦ કરોડ ડેટેડ સિક્યોરિટીઝ દ્વારા એકત્રિત કર્યા હતા. જ્યારે સમગ્ર વર્ષના બોરોઇંગ કેલેન્ડરની નોટિફાઇડ રકમ જ ૪,૨૨,૦૦૦ કરોડ છે. તેની સામે ૯૨,૩૭૧.૧૫ કરોડની ચૂકવણી કરી હતી.
નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ના બીજા ક્વાર્ટરમાં પ્રાઇમરી ઇશ્યુઅન્સીસ પરની વેઇટેડ એવરેજ યીલ્ડ અગાઉના ક્વાર્ટરના ૭.૨૩ ટકાથી ૦.૧૦ ટકા વધી ૭.૩૩ ટકા થઈ હતી. તેની સાથે તેમણે ઉમેર્યુ હતું કે ડેટેડ સિક્યોરિટીઝ પર વેઇટેડ એવરેજ ન્યુ ઇશ્યુઅન્સીસ બીજા ક્વાર્ટરમાં ૧૫.૬૨ લાખ કરોડ હતા, જે રકમ પ્રથમ ક્વાર્ટરના ૧૫.૬૯ લાખ કરોડ કરતાં ઓછી હતી.જુલાઈથી સપ્ટેમ્બર ૨૦૨૨ દરમિયાન કેન્દ્ર સરકારે કેશ મેનેજમેન્ટ બિલ પેટે કોઈપણ પ્રકારની રકમ ઊભી કરી ન હતી. આ ક્વાર્ટરમાં રિઝર્વ બેન્કે સરકારી જામીનગીરીઓ માટે ઓપન માર્કેટ ઓપરેશનનું સંચાલન કર્યુ ન હતું.