ગુજરાત સરકારે કેન્દ્ર પાસે વેક્સિનનો નવો જથ્થો માંગ્યો, 12 લાખ જેટલા ડોઝ મંગાવી લેવાયા

મંગળવાર, 27 ડિસેમ્બર 2022 (19:02 IST)
વિશ્વમાં ફરીવાર હાહાકાર મચાવનાર કોરોના વાયરસને લઈને ભારત સરકાર એલર્ટ થઈ ગઈ છે. કેટલાક રાજ્યોએ માસ્ક પહેરવાનું ફરજિયાત કરી દીધું છે. જ્યારે કેન્દ્રએ રાજ્ય સરકારોને નવી એડવાઈઝરી પણ આપી દીધી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ તાજેતરમાં જ અમદાવાદમનાં કહ્યું હતું કે, ગભરાવાની જરૂર નથી પણ સાવચેતી રાખવી જરૂરી છે. ત્યારે રાજ્ય સરકારે પણ જાહેર મેળાવડાઓમાં ગાઈડલાઈનનું પાલન કરવા માટે જણાવ્યું છે.

આજે સમગ્ર દેશમાં સરકાર કોરોનાની સામે લડવા તમામ તૈયારીઓની મોકડ્રિલ યોજી રહી છે. ત્યારે ગાંધીનગરમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ  ગાંધીનગર સીવિલ હોસ્પિટલ ખાતે યોજાયેલ ઓક્સિજનની મોકડ્રીલમાં સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ દરમિયાન આરોગ્ય મંત્રીએ કહ્યું હતું કે, સરકારે તમામ તૈયારીઓ કરી લીધી છે. જરૂર જણાશે તો વધુ સુવિધાઓ ઉભી કરીશું. તેમણે વેક્સિન અંગે કહ્યું હતું કે, રાજ્ય સરકારે કેન્દ્ર પાસે વેક્સિનનો નવો જથ્થો માંગ્યો છે. 12 લાખ જેટલા વેક્સિનના ડોઝ મંગાવી લેવાયા છે. સરકાર દ્વારા ફરીવાર પ્રિકોશન ડોઝની ડ્રાઈવ શરૂ કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, રાજયમાં વેક્સિનનો જથ્થો ઓછી સંખ્યામાં બગડ્યો છે. સામાન્ય રીતે કહીએ તો પુરેપુરા જથ્થાનો રાજ્યમાં વપરાશ કરવામાં આવ્યો છે. વેક્સિનના જથ્થાને એક્સપાયરી પહેલાં જ જ્યાં જરૂર હોય ત્યાં મોકલી દેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે કેન્દ્ર પાસે કોવિશિલ્ડ અને કોવેક્સિન વેક્સિનનો જથ્થો મંગાવ્યો છે.કોરોનાએ ફરીવાર દહેશત ફેલાવતાં હવે લોકો પ્રિકોશન ડોઝ લેવા માટે દોડાદોડ કરી રહ્યાં છે. અમદાવાદમાં જ દૈનિક એક હજારથી વધુની સંખ્યામાં બુસ્ટર ડોઝ લેવાઇ રહ્યા છે. આ અગાઉ રસી લેવા આવનારી વ્યક્તિઓની સંખ્યા સાવ નહિવત્ થઇ હોવાથી નવા ડોઝ મંગાવવાનું ઓછું કરાયું હતું. પરંતુ હવે રાજ્ય સરકારે કેન્દ્ર પાસે વેક્સિનનો નવો સ્ટોક માંગ્યો છે. આ ઉપરાંત 12થી 14 વર્ષના અને 14 વર્ષથી 18 વર્ષની વયજૂથના બાળકોમાં રસી લેવા માટેનો ઉત્સાહ થોડો ઠંડો પડ્યો હતો તે પણ હવે ફરી શરૂ થયો છે. જેમને પહેલો અથવા બીજો ડોઝ બાકી છે તેવા બાળકો પણ હાલ રસી લેવા આવી રહ્યા છે.આ ઉપરાંત આજે અમદાવાદની SVP હોસ્પિટલમાં પણ કોરોનાની સ્થિતિને લઇને મોક ડ્રીલ યોજાઇ હતી. સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા, અમદાવાદના મેયર કિરીટ પરમાર સહિતના અધિકારીઓએ SVP હોસ્પિટલ પહોંચી બેડ, વેન્ટીલેટર અને દવાઓની ઉપલબ્ધતા અંગે ચકાસણી કરી હતી. સમીક્ષા બાદ મંત્રી જગદીશ વિશ્વકર્માએ કહ્યું હતું કે, જો કોરોનાના કેસો વધે તો કોઇ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ રહે તેના માટે દરેક હોસ્પિટલોમાં મોક ડ્રીલ યોજાઇ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર