ઊનાના એક યુવકને બે વર્ષમાં 9 વખત સાપે ડંખ માર્યો, મોત સામે જંગ જીતી ગયો

ગુરુવાર, 29 ડિસેમ્બર 2022 (16:04 IST)
ઉનાના કંસારી ગામમાં રહેતા એક યુવાનને સાપે બે વર્ષમાં શરીરમાં એક જ જગ્યાએ 9 વખત ડંખ માર્યા છે. તેમ છતાં આ યુવાન મોત સામે જીતી ગયો છે. કંસારી ગામે રહેતો મહેશ પરબતભાઇ સરવૈયા ઉ.વ.28 તેના પરિવાર સાથે મજુરી કામ કરી ઘરનું ગુજરાન ચલાવતો હતો. પરંતુ મહેશ સાથે છેલ્લા બે વર્ષથી એક ઘટના વારંવાર બનતી રહેતી હોય છે.

આ યુવાનને છેલ્લા બે વર્ષમાં 9 વખત સાપે ડંખ માર્યા અને જોવાની ખુબી એ છે કે સાપ મહેશના જમણા પગની ત્રીજી આંગળીમાં જ ડંખ મારે છે. આ ઝેરી સાપ ડંખ મારતા તેની હાલત પણ એક વખત નહી અનેક વખત ગંભીર થઇ છે.  જ્યારે મહેશ ઘરમાં કામ કરતો હોય ત્યારે જ સાપ ડંખ મારે છે. એટલું જ નહીં પણ એક વખત તો મહેશના ઘરમાં ચુલ્લાની અંદર સાપ બેસેલો હતો અને ઘરના સભ્યો કામ કરતા હતા. ત્યારે સાપે મહેશને ડંખ માર્યા હતો. ત્યારબાદ સાપ પકડનારને બોલાવી સાપને  મુક્ત કરી દેવામાં આવ્યો હતો. આ દરમિયાન મહેશ પણ સારવાર પુરી થયાબાદ કામે લાગી ગયો હતો. ઘરની આસપાસ જ સાપ ડંખ મારે છે એટલે તેને ઘરથી દૂર સંબંધીની વાડીએ મોકલી દેવાયો હતો.હવે સાપ હેરાન નહી કરે તેમ માની રાહતનો શ્વાસ લીધો હતો.

એક દિવસ અચાનક વાડીમાં આરામ કરતા મહેશને ફરી એક વખત સાપે ડંખ મારતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સાપ દરવખતે મહેશને જમણા પગની આંગળી પર જ ડંખ મારે છે. જેને લઈ મહેશના પરિવારજનો પણ ચિંતામાં મુકાઈ ગયા હતા. મહેશની સાથે આ શું થઈ રહ્યું છે તે સમજાતુ ન હતું. કેમ કે સાપ ઘરના અન્ય કોઈ સભ્યને ડંખ ના મારે ફક્ત મહેશને જ ડંખ મારે એટલે પરિવારના સભ્યો પણ કંટાળી ગયા કે હવે શું થશે?અંતે કંસારીથી થોડેદૂર વાવરડા ગામે રહેતા મહેશના મામા જયંતિ વાજાએ મહેશને વાવરડા તેમના ઘરે બોલાવી લીધો હતો. મહેશ પણ મામાના ઘરે રહેવા ચાલ્યો ગયો હતો. તેમ છતાય સાપે મહેશનો પીછો ના મુક્યો. એક દિવસ મહેશ વાવરડા તેમના મામાના ઘરે હતો, ત્યારે સાપ બાથરૂમમાંથી બહાર નિકળ્યો અને ડંખ મારી જતો રહ્યો. ત્યારબાદ ફરી એક વખત મહેશને સારવાર અર્થે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આમ, સાપે 8 થી 9 વખત ડંખ માર્યા બાદ પણ મહેશ સારવાર દરમિયાન મોતના મુખમાંથી બહાર આવી જાય છે. ત્યારબાદ પરિવારે પોતાના વ્હાલસોયાને સમજાવી અંતે સુરત સ્થાયી થવા નિર્ણય કર્યો અને હાલ મહેશ સુરત મુકામે હિરા ઘસવાનું કામ કરે છે. થોડા દિવસ પહેલા સુરતથી કામ અર્થે કંસારી આવ્યો હતો અને કામ પૂર્ણ થયા બાદ તુરંત જ સુરત જવા નિકળી ગયો હતો. આમ, આ ઘટના કુદરતી સમજવી કે જોગાનું જોગ એ બાબત તેમના પરિવારજનો પણ વિચારી રહ્યાં છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર