ગાંધીનગરમાં ટ્રેનિંગમાં આવેલા યુવાન ક્લાસ-2 અધિકારીનું હાર્ટ એટેક આવતા મૃત્યુ

શનિવાર, 30 ડિસેમ્બર 2023 (19:19 IST)
ગાંધીનગર સહયોગ સંકુલ ખાતે પાણી પુરવઠા કચેરીએ છેલ્લા બે ત્રણ મહિનાથી ટ્રેનિંગ અર્થે આવેલા 29 વર્ષીય વર્ગ-2ના અધિકારીનું હ્રદય રોગના હુમલાના કારણે અવસાન થયું છે. જલ સેવા તાલીમ કેન્દ્રમાં રહેતાં અધિકારી જયંત કુંજબિહારી સોનીને ગઈકાલે સવારે છાતીમાં દુઃખાવો ઉપડતા તેઓ જાતે જ સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા હતા. જ્યાં તબીબોએ તેઓને આઈસીયુમાં દાખલ કરી સારવાર શરૂ કરી હતી. જો કે ટૂંકી સારવાર દરમ્યાન અધિકારીનું મૃત્યુ થતાં ગાંધીનગર સેકટર-7 પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
 
તાલીમ કેન્દ્ર ખાતે રહીને ટ્રેનિંગ મેળવી રહ્યા હતા
પ્રાપ્ત વિગતો પ્રમાણે અજમેર ખાતે રહેતા 29 વર્ષીય જયંત કુંજ બિહારીએ હાલમાં જ કલાસ ટુ અધિકારીની પરીક્ષા પાસ કરી હતી. જે અન્વયે જયંત સોનીની ગાંધીનગરના સહયોગ સંકુલ ખાતેની પાણી પુરવઠા કચેરીએ ટ્રેનિંગ ચાલતી હતી. જેઓ છેલ્લા બે ત્રણ મહિનાથી ગાંધીનગરમાં ટ્રેનિંગ અર્થે આવ્યા હતા. જયંત સોની સેકટર-15 જલ સેવા તાલીમ કેન્દ્ર ખાતે રહીને પોતાની ટ્રેનિંગ મેળવી રહ્યા હતા. ગઈકાલે સવારે સમયે અચાનક છાતીમાં દુઃખાવો થવાથી જયંત સોની તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા હતા.
 
ટૂંકી સારવાર દરમ્યાન અધિકારીનું મૃત્યુ થયું હતું
તબીબોએ નિદાન શરૂ કર્યું એ દરમ્યાન તેમને ચક્કર આવવા અને છાતીમાં દુઃખાવો થતો હોવાની ફરીવાર તપાસ કરી હતી. જરૂરી તપાસના અંતે ફરજ પરના તબીબોએ તાત્કાલિક આઈસીયુમાં દાખલ કરીને સારવાર પણ શરૂ કરી દીધી હતી. જો કે સિવિલમાં ટૂંકી સારવાર દરમ્યાન અધિકારીનું મૃત્યુ થયું હતું. આ બનાવની જાણ થતાં સેકટર-7 પોલીસની ટીમ સિવિલ હોસ્પિટલ દોડી ગઈ હતી અને અધિકારીના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો. જો કે પરિવારજનો તાત્કાલિક આવી શકે એમ ન હતા ​​બાદમાં અમદાવાદ ખાતે રહેતા અન્ય એક સ્વજનને સિવિલ બોલવી લેવામાં આવ્યા હતા. જયંત સોનીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી તેને તેમને સોંપી દેવામાં આવ્યો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર