ગુજરાતમાં દુકાળના એંધાણ, અત્યાર સુધી માત્ર 10 ઈંચ વરસાદ, હજી 46 ટકાની ઘટ

ગુરુવાર, 12 ઑગસ્ટ 2021 (09:47 IST)
ગુજરાતમાં અત્યાર સુધી 36.39% વરસાદ થયો છે. ગત વર્ષે 11 ઓગસ્ટ સુધી રાજ્યમાં 58% વરસાદ થયો હતો. ગત વર્ષની સરખામણીએ 22% ઓછો વરસાદ છે. અત્યાર સુધી રાજ્યમાં 19 ઇંચ વરસાદ થવો જોઈતો હતો જેને બદલે માત્ર 10 ઇંચ થયો છે. જે 46 ટકાની ઘટ દર્શાવે છે. રાજ્યમાં તમામ 33 જિલ્લાઓમાં સરેરાશથી ઓછો વરસાદ છે. 15 જિલ્લાઓમાં 50%થી પણ વધારે વરસાદની ઘટ છે. રાજ્યના બે તાલુકાઓ લાખણી અને થરાદમાં બે ઇંચથી પણ ઓછો વરસાદ છે. રાજ્યના 25 તાલુકાઓમાં 5 ઇંચથી ઓછો વરસાદ છે. માત્ર 4 તાલુકાઓમાં 40 ઇંચથી વધારે વરસાદ છે. જેમાં નવસારીમાં ખેરગામ, વલસાડમાં ધરમપુર, કપરાડા અને વાપી તાલુકાઓ છે. ગાંધીનગરમાં 64%, અરવલ્લીમાં 63%, સુરેન્દ્રનગરમાં 59%, તાપીમાં સરેરાશથી 56%, દાહોદ અને ગીર સોમનાથ જિલ્લામાં 55% વરસાદની ઘટ છે. ગુજરાતના 207 જળાશયોમાંથી માત્ર 5 જળાશય 100 ટકા ભરેલા છે.

હાલમાં કુલ જળસંગ્રહ 47.54% છે. સરદાર સરોવર ડેમમાં 46.60% છે. ઉત્તર ગુજરાતમાં 24.38%, મધ્યમાં 43.74%, દક્ષિણમાં 57.82%, કચ્છમાં 22.69%, સૌરાષ્ટ્રમાં 40.52% પાણીનો સંગ્રહ છે. માત્ર 25 ડેમોમાં જ 70%થી વધુ પાણી છે. 95 જળાશયોમાં 25%થી પણ ઓછું પાણી છે.આગામી 7 દિવસ સુધી રાજ્યમાં સારો વરસાદ થાય એવા કોઇ એંધાણ નથી. હવામાન ખાતાની આગાહી મુજબ, આવતા 7 દિવસમાં રાજ્યમાં અમુક જગ્યાએ સામાન્ય છૂટોછવાયો વરસાદ થઇ શકે છે. સારો વરસાદ થાય એવી હાલ કોઈ શક્યતા નથી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર