નીતિન ગડકરીના અધ્યક્ષ સ્થાને ગુજરાતના નેશનલ હાઇવે પ્રોજેક્ટ્સની સમીક્ષા બેઠક યોજાઇ, જાણો શું થઇ ચર્ચા

ગુરુવાર, 19 જાન્યુઆરી 2023 (11:42 IST)
ગુજરાત પ્રવાસે આવેલા કેન્દ્રીય સડક પરિવહન મંત્રી નીતિન ગડકરીની અધ્યક્ષતામાં ગુજરાતના નેશનલ હાઈવે પ્રોજેક્ટસની સમીક્ષા માટે ઉચ્ચ સ્તરીય બેઠક આયોજિત કરવામાં આવી. આ બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા.
 
નેશનલ હાઇવેના વિકાસ અને સુધારણા માટેના ૮૧ કામો માટે ગુજરાતમાં છેલ્લા આઠ વર્ષમાં વિવિધ હાઇવે પ્રોજેક્ટ માટે ૫૨,૭૭૫ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. જ્યારે ૩૦,૯૦૮ કરોડ રૂપિયાના ૧૩૬૬ કિમી.ના ૨૨ કામો આયોજનના તબક્કામાં છે.આમ ગુજરાતમાં નેશનલ હાઇવેના બાંધકામ અને સુધારણા માટે કુલ ૧,૦૮,૬૯૦ કરોડ રૂપિયા વાપરવામાં આવનાર છે.
 
રાજ્યમાં કાર્યરત મહત્વકાંક્ષી પ્રોજેક્ટ જેમાં અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વે, દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે, અમૃતસર જામનગર એક્સપ્રેસ વે અને થરાદ અમદાવાદ એક્સપ્રેસ વે, અમદાવાદ-શામળાજી સિક્સ લેન, ભાવનગર-સોમનાથ ફોરલેન, પાલનપુર-સામખીયાળી, મોરબી-સામખીયાળી ફોરલેન, ધરોઈ-અંબાજી ફોરલેનની કાર્ય પ્રગતિ વિશે ચર્ચા કરવામાં આવી હતી. 
 
આ ઉચ્ચસ્તરીય બેઠકમાં કેન્દ્રના સડક પરિવહન મંત્રાલયના અધિકારીઓ, નેશનલ હાઈવે ઓથોરિટીના સભ્ય તેમજ મુખ્યમંત્રીના સલાહકાર એસ.એસ. રાઠોર તથા રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર