દ્વારકામાં ભારે પવનથી જગતમંદિરની એક ધજા ખંડિત થઈ, દરિયામાં 15 ફૂટ ઊંચાં મોજાં ઊછળ્યાં

બુધવાર, 14 જૂન 2023 (13:29 IST)
ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડુ પ્રચંડ બન્યું છે. હાલ 'બિપરજોય' વાવાઝોડું જખૌથી 280 કિલોમીટર દૂર છે. જ્યારે દ્વારકાથી 290 તેમજ પોરબંદરથી 350 કિલોમીટર, અને નલીયાથી 310 કિલોમીટર દૂર છે. વાવાઝોડું હાલ પ્રતિ કલાક 8કિલોમીટરથી ગતિથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે આજે દ્વારકામાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. જેથી દ્વારકા મંદિરના શિખર પર ફરકાવવામાં આવેલી ધજા પણ ખંડિત થઈ હતી.

આગામી 15 જૂને વાવાઝોડું ગુજરાતમાં ત્રાટકી શકે છે. ત્યારે ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. આજે દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે 15 અને 16 જૂનના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાત પર બિપરજોય વાવાઝોડાનું સંકટ જોવા મળી રહ્યું છે. રાજ્યના તમામ દરિયાકાંઠાઓના વિસ્તારો હાઈએલર્ટ પર મુકાયા છે, તો વાવાઝોડાના રૌદ્ર રુપને જોતા ગુજરાતના અનેક બંદરો પર ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યા છે, ત્યારે વાવાઝોડા પહેલા દેવભૂમિ દ્વારકાના દ્વારકાધીશના જગત મંદિર પર ફરી એકવાર બે ધજા ફરકાવાઈ છે.આજે સવારે દ્વારકા ઝડપી પવન ફુંકાયો હતો, જેના કારણે દ્વારકા મંદિરે 2 ધજા ફરકાવવાનું ટાળવામાં આવ્યું હતું. ત્યારબાદ મંદિર પર ફરી 2 ધજા ફરકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેમાં સફળતા મળી છે. અગાઉ રાજ્ય પર તાઉતે વાવાઝોડાનો ખતોર મંડરાયો હતો, તે વખતે પણ આવી જ રીતે મંદિર પર બે ધજા ફરકાવાઈ હતી. અગાઉ રાજ્ય પર તાઉતે વાવાઝોડાની ખતરાની ઘંટી વાગ્યા બાદ દ્વારકાધીશના મંદિરે 2 ધજા ફરકાયા બાદ તાઉતે વાવાઝોડનું સંકટ ઘટ્યું હતું. આમ ફરી એકવાર દ્વારકાધીશમાં આસ્થા રાખીને એક સાથે 2 ધજા ફરકાવવાનો નિર્ણય લેવાયો છે.રાજ્ય પર બિપરજોય વાવાઝોડાનું સંકટ જોવા મળી રહ્યું છે, જેના કારણે દરિયાકાંઠા જિલ્લાઓમાં એનડીઆરએફની ટીમ સહિત વિવિધ જિલ્લાના વહિવટીતંત્રો દ્વારા સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે. ઉપરાંત રાજ્યના દરિયા કિનારા પર બિપરજોય વાવાઝોડું વધુ ગંભીર બનવાની આશંકા વ્યક્ત કરાયા બાદ 9 અને 10 નંબરના સિગ્નલ લગાવાયા છે. ઓખા, કંડલા, માંડવી અને નવલખી બંદર પર 10 નંબરનું સિગ્નલ લગાવાયું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર