આજે ગાંધીનગર ખાતે રાજ્ય સરકારના મંત્રીમંડળના સભ્યો દ્વારા રચાયેલી કમિટીની સભ્યો શ્રી જીતુભાઈ વાધાણી, કનુભાઈ દેસાઈ, ઋષિકેશભાઈ પટેલ, હર્ષ સંધવી, બ્રિજેશ મેરજા, નિમીષાબેન સુથાર તેમજ ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમા યોજાયેલ ફળદાયી બેઠકમાં તેઓની માંગણીઓ સંદર્ભે હકારાત્મક નિર્ણય લેવાતા હડતાળ પાછી લેવામાં આવી છે.
પ્રવકતા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, પંચાયત વિભાગ હસ્તકની આશાવર્કર બહેનો પ્રશ્નોના નિરાકરણ માટે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, રાજય મંત્રી નિમીષાબેન સુથારના અધ્યક્ષે વિવિધ તબક્કે બેઠકો યોજીને તેમની માંગણીઓ સંદર્ભે વિગતવાર ચર્ચાઓ કરાઈ છે. કોરોનાકાળ સહિત કોઈપણ પરિસ્થિતિમાં આ બહેનો ખડેપગે ફિલ્ડમાં કામ કરે છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ સહાનુભૂતિ દાખવી છે. આ બહેનોની જે માગણીઓ આવી છે તે પૈકી મોટાભાગની માંગણીઓ સ્વીકારી લેવામાં આવી છે.
આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, આશા બહેનો દ્વારા જે માંગણીઓ કરાઈ છે જેમાં મુખ્યત્વે કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા રૂપિયા ૩૦૦૦ માસિક ભથ્થું અપાય છે એમાં રૂપિયા ૨૦૦૦નો વધારો કરી આપવા માટે કમિટી એ હકારાત્મક અભિગમ દાખવ્યો છે. આ ઉપરાંત બે સાડી આપવાની માંગણી તથા કામગીરી અંગે જે વહીવટી સુધારણાને લગતા પ્રશ્નોના નિવારણ માટે પણ જરૂરી કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચનાઓ આપી દેવાઈ છે. એટલે સૌ આશા બહેનોએ હડતાલ પાછી ખેચીને જનસેવામાં જોડાવવા અપીલ કરતા એસોસીએશને હડતાળ સમેટવાનો નિર્ણય કર્યો છે.