મળતી વિગતો મુજબ ફ્લેટમાં ઘરકામ કરતી 25 વર્ષિય મયુરીબેન હંસરાજભાઈ સરગરા ઘરકામ પતાવી અને પોતાના ઘર તરફ જઈ રહી હતી. આ દરમિયાન વાણીયાવાડથી ફતેપુરા રોડ તરફ એક્ટિવા લઈને પસાર થતા સમયે વચ્ચે દોરો આવી ગયો હતો. જેમાં મયુરીનું ગળુ ભરાતા ઈજા થઈ હતી, મયુરી થોડે આગળ જતા તેના ગળામાંથી પુષ્કળ લોહી વહેવા લાગ્યુ હતુ. જેથી તે એક્ટિવા પરથી નીચે પટકાઈ હતી. આ વખતે ત્યાંથી કેટલાક લોકોએ રીક્ષા મારફતે યુવતીને મહા ગુજરાત હોસ્પિટલ ખસેડી હતી, પરંતુ સારવાર દરમિયાન ડોક્ટરે યુવતીને મૃત જાહેર કરી હતી. જેના કારણે જુવાનજોધ દિકરીનું અકાળે અવસાન થતા પરીવાર પર આભ તૂટી પડ્યુ છે.
આ સમગ્ર મામલે યુવતીના પિતા હસંરાજભાઈએ મીડિયા સમક્ષ જણાવ્યુ હતુ કે, અમે ફતેપુરા રોડ પર રહીએ છીએ. મારી દિકરી વાણીયાવાડ ફ્લેટમાં ઘરકામ કરે છે. જે પતાવી તે એક્ટિવા લઈ વાણીયાવાડ રોડથી ફતેપુરા રોડ પર આવી રહી હતી. આ દરમિયાન ગળામાં દોરો ભરાયા બાદ તે ખાસ્સુ આગળ ગઈ પછી પડી ગઈ અને ખાસ્સુ લોહી નીકળ્યું હતું પણ લોકો તેને જોઈને નીકળી ગયા. અડધો કલાક મારી દિકરી ત્યાં પડી રહી પછી અમને જાણ થતા તેને લઈને મહાગુજરાતમાં આવ્યા હતા.