હિંમતનગર હાઈવે પર ટ્રક સાથે કાર અથડાઈ, 7 મહિનાની બાળકી સહિત 4 લોકોના મોત

શુક્રવાર, 7 જૂન 2024 (13:41 IST)
Himmatnagar highway accident Caption
 ગુજરાતમાં અકસ્માતની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. હાઈવે પર પુરપાટ ઝડપે પસાર થતાં વાહનો અકસ્માતો સર્જી રહ્યાં છે. ત્યારે સાબરકાંઠામા ઇડરથી હિંમતનગર સ્ટેટ હાઈવે પર ગત રાત્રે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. હિંમતનગરથી કારમાં નેત્રામલી જતા પરિવારને ડાઈવર્ઝન કટ પર ઇડરથી હિંમતનગર તરફ પૂરઝડપે જતા ટ્રકે અડફેટે લીધા હતા. જેમાં એક બાળકી સહિત ચારના મોત નીપજ્યા હતા, જયારે બે બાળકી સહિત ચારને ઈજાઓ થતા સારવાર અર્થે હિંમતનગર ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત અંગે જાદર પોલીસને જાણ થતા ઘટનાસ્થળ બાદ હિંમતનગર સિવિલમાં પહોંચીને પોસ્ટમોર્ટમ અને ફરિયાદની કાર્યવાહી હાથ ધરી હતી.
 
ટ્રક અને કાર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો
જાદર પોલીસ સ્ટેશનથી મળેલી માહિતી મુજબ, ઇડરના નેત્રામલીનો જરીવાલા પરિવાર ગુરુવારે રાત્રિના સમયે હિંમતનગરમાં તેમના સંબધીને ત્યાં જન્મ દિવસનો પ્રસંગ પૂર્ણ કરીને નેત્રામલી જવા નીકળ્યો હતો. રાત્રે 11 વાગ્યાની આસપાસ દરામલી પાસે સ્ટેટ હાઈવે પર સમારકામ ચાલી હોવાથી દિવ્ય ચેતના કોલેજ આગળ આપેલા ડાઈવર્ઝન તરફ જતા સમયે ઇડર તરફથી પુરપાટ ઝડપે આવતા ટ્રક અને કાર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કારમાંથી પરિવારજનો રોડ પર ફેંકાયા હતા. અકસ્માતને લઈને આવતા જતા વાહનચાલકો અને આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. 
 
એક બાળકી સહિત ચારના ઘટના સ્થળે જ મોત
અકસ્માતમાં એક બાળકી સહિત ચારના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. બે બાળકી સહિત ચાર ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.અકસ્માતમાં કારમાં ફસાયેલા મૃત ચાલકને લોકોએ દરવાજો તોડી બહાર કાઢ્યો હતો. અકસ્માત અંગે 108 અને જાદર પોલીસને જાણ થતા રાત્રિના સમયે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.પોલીસે રોડ પરથી વાહનો હટાવીને ટ્રાફિક પૂર્વવત કર્યો હતો. પોલીસે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં પહોંચીને પોસ્ટમોર્ટમ અને ફરિયાદની કાર્યવાહી હાથ ધરી હતી.
 
અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોની યાદી
સ્વપ્નિલ કમલેશભાઈ જરીવાલા
પ્રજ્ઞાબેન કમલેશભાઈ જરીવાલા
જીલબેન જૈનીલકુમાર જરીવાલા 
દેલિશાબેન જૈનિલકુમાર જરીવાલા 
 
ઈજાગ્રસ્ત થયેલા લોકોની યાદી
કમલેશભાઈ વિઠ્ઠલભાઈ જરીવાલા 
વિધિબેન સ્વપ્નિલભાઈ જરીવાલા 
હેઝલબેન જૈનિલકુમાર જરીવાલા 
મયેશા જઇનીલ જરીવાલા

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર