પ્રાપ્ત વિગતો પ્રમાણે ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં 22 વર્ષીય સ્નેહા (નામ બદલ્યું છે) પેથાપુર ખાતેની એક કોલેજમાં મેડિકલના ચોથા વર્ષમાં અભ્યાસ કરે છે. જેનાં માતા પિતા છેલ્લા 14 વર્ષથી લંડનમાં રહેતા હોવાથી અહીં દાદા અને નાના ભાઈ સાથે રહે છે. જ્યારે તેના કાકા અમદાવાદ નીકોલ વિસ્તારમાં રહે હોવાથી સ્નેહા ત્યાં આવતી જતી હતી. સ્નેહા આજથી આશરે ચારેક વર્ષ પહેલાં વર્ષ અમદાવાદ પોતાના કાકાના ઘરે રહેતા અને મૂળ માણસાના જશ્મીન પટેલ સાથે સંપર્કમાં આવી હતી. તેને જશ્મીન કહેતો કે, મારા માતા-પિતા અમેરીકા રહે છે. તારે અમેરીકા જવું હોય તો મારે સારા એવા સંપર્કો છે. વિશ્વાસ કેળવી જશ્મીને સ્નેહાને પ્રેમજાળમાં ફસાવી હતી. પરંતુ સમય જતાં જશ્મીન પરિણીત હોવાનો ભાંડો ફૂટી જતાં સ્નેહાએ તેની સાથે વાતચીત બંધ કરી દીધી હતી.થોડા સમય બાદ જશ્મીન ફરીથી માણસા ગયો હતો. એ વખતે સ્નેહા ઘરમાં એકલી જ હતી. જેથી જશ્મીન કહેવા લાગેલો કે, તારે અમેરીકા જવુ હોય તો મારા મમ્મી-પપ્પા ત્યા છે, હાલમાં મારી સાથે અમેરીકા લઈ જનાર એજન્ટનો પણ સંપર્ક થયેલો છે. જે તને ઓછા ખર્ચમાં અમેરીકા પહોંચાડી દેશે અને પૈસા પણ તારે આપવાની જરૂર નથી માત્ર બેન્ક એકાઉન્ટમાં બેલેન્સ બતાવવું પડશે. એમ કહી પ્રેમ સંબંધો ચાલુ રાખવા દબાણ કર્યું હતું. તેણે તેની પત્નીને છૂટાછેડા આપીને લગ્ન કરી લેવાનો પણ ભરોસો આપ્યો હતો. ત્યારે લંડન કરતાં અમેરિકા જવાની બહુ ઈચ્છા હોવાથી સ્નેહા તેની વાતોમાં આવી જઈ માતા પિતાએ બેંક એકાઉન્ટમાં ટુકડે ટુકડે મોકલેલ 65 લાખ તેમજ લોકરમાં 10 તોલા સોનાનું બિસ્કીટ હોવાની જાણ જશ્મીનને કરી દીધી હતી. તેણે 65 લાખ રૂપિયા સહિત 10 તોલા સોનાનુ બિસ્કીટ તેમજ અસલ ડોકયુમેન્ટ સહિતના દસ્તાવેજો આપ્યા હતા. લાંબા સમય પછી પણ અમેરિકા જવાનું કોઈ ઠેકાણું નહીં પડતાં સ્નેહાએ પૈસા અને સોનાના બિસ્કીટની ઉઘરાણી કરી કરી હતી. ત્યારે જશ્મીન લગ્ન નહી કરે તો ફોટા બજારમાં ફરતા કરી કેરીયર બગાડી દેવાની ધમકીઓ આપવા લાગ્યો હતો. બીજી તરફ પૈસા અને સોનું પરત મેળવવાનાં આશય સાથે સ્નેહા 11 મી ઓક્ટોબર 2023ના રોજ અમદાવાદ ખાતે જશ્મીન પાસે ગઈ હતી. જ્યાં જશ્મીને લગ્નના પેપર્સમાં સહીઓ કરાવી હતી. આ લગ્ન પછી જશ્મીને લગ્ન જીવનના હક્કો પણ ભોગવ્યા હતા. પૈસા-સોનું મેળવવા ના છુટકે સ્નેહાએ તેનો વિરોધ પણ કર્યો ન હતો. આખરે સમગ્ર મામલે સ્નેહાએ ઘરે જાણ કરી હતી. બાદમાં જશ્મીને સમાજના વડીલો થકી છુટાછેડા આપે તો રૂપિયા 65 લાખ તેમજ 10 તોલા સોનાનુ બિસ્કીટ પરત આપી દેવાની શરત મૂકી હતી. જેનાં પગલે સાક્ષીઓની હાજરીમાં સ્નેહાએ છુટાછેડાની સાથે-સાથે નાણાંકીય લેવડ-દેવડ પુરી થઈ ગયેલી છે તેવા સમજુતી કરાર તેમજ છુટાછેડાના લખાણોમાં તા. 19 મી ડિસેમ્બર 2023નાં રોજ સહીઓ કરી આપી હતી. તેમ છતાં આજદિન સુધી પૈસા-સોનાનું બિસ્કીટ પરત નહીં મળતા સ્નેહાએ માણસા પોલીસ મથકમાં જશ્મીન વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ દાખલ કરાવી છે.