Rajkot News - ACનો ચડેલો હપતો ન ભરતાં 8 શખસે BJP યુવા પ્રમુખને ગડદાપાટુનો માર માર્યો

શુક્રવાર, 19 મે 2023 (12:31 IST)
રાજકોટ જિલ્લાના ભાયાવદર યુવા ભાજપ પ્રમુખ હાર્દિક રામાણી ઉપર 8 જેટલા શખસે બજાજ ફાઇનાન્સમાંથી ખરીદ કરેલા ACનો ચડેલો 2400 રૂપિયાનો હપતો ભરવાનું કહી ગેરકાયદે મંડળી રચી ઢીંકાપાટુનો માર મારી મૂઢ ઇજા કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગે ફરિયાદ નોંધાઈ. હાલ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે અને એના આધારે પોલીસે વધુ તપાસ પણ આગળ હાથ ધરી છે.

રાજકોટ જિલ્લાના ભાયાવદર યુવા ભાજપ પ્રમુખ હાર્દીક ગીરીશભાઇ રામાણીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ભાયાવદરમા બાલાજી ટેલિકોમ નામની મોબાઈલની જુના બસ સ્ટેન્ડ ચોક પાસે દુકાન છે તેમજ બજાજ ફાઈનાન્સના હપ્તા પર મોબાઈલની લે-વેચ કરું છું. તા.17.05.2023ના રોજ સાંજના 08.30 વાગ્યાની આસપાસ હું મારી દુકાનની સામેની બાજુ ઊભો હતો અને આમારા ગામના હરેશભાઈ બરોચિયા દુકાનની બહાર બેઠેલ હતા ત્યારે હુ સામેની બાજુથી ચાલીને મારી દુકાન તરફ આવતા અચાનક ચાર મોટરસાઇકલ ડબલ સવારીમાં આવેલ અને જેમા પ્રથમ બે જણા કલ્પેશ બારોટ તથા મયંક વાડોદરીયા જે બંને ઉપલેટા રહે છે, તે બંને મને પકડી જેમ ફાવે તેમ મને ગાળો બોલવા લાગેલ અને ઢીકાપાટુનો માર મારવા લાગેલ હતા.

આ પછી પાછળથી પ્રકાશ ઉર્ફે કારો જોગલ જે ઉપલેટા રહે છે તે તથા તેની સાથેના પાંચ અજાણ્યા માણસો આવેલા અને મને પકડી આડેધડ ઢીંકાપાટુ મારવા લાગેલ અને તેવામા ત્યા મારો ભાઈ કેનીલ તથા દિનેશભાઈ મેદપરા મને બચાવવા વચ્ચે પડેલ અને મને વધુ મારમાથી બચાવેલ અને આ લોકો ત્યાથી જતા જતા મને ધમકી આપતા ગયેલ કે હપતાના બાકી પૈસા ભરી દેજે નહિતર તને જાનથી મારી નાખીશું અને મને શરીરે ડાબી આંખની ઉપર નેણના ભાગે જમણા હાથે કોણીના ભાગે તેમજ જમણા હાથની ટચલી આંગળીએ તથા જમણા પગે ગોઠણના ભાગે મૂઢ ઈજા થયેલ હોય મને દિવ્યેશભાઈ રામાણી તથા જિજ્ઞેશભાઈ રામાણી ભાયાવદર સરકારી દવાખાને લાવતા સારવાર આપી રજા આપેલ છે.આ બધા લોકો ભેગા મળી મારી બજાજ ફાઈનાન્સનો ACનો હપતો 2400નો ભરવાનો બાકી હોય, જે હું ચૂકી ગયો હોવાથી એની ઉઘરાણી મારી પાસે કરી મને જેમ ફાવે તેમ ગાળો આપી મૂઢ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેથી આ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવું છું. હાલ પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર