રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણ અંગે લેવાયા ૭ મહત્વપૂર્ણ નિર્ણયો, 1 રૂપિયામાં મળશે માસ્ક, રેમડિસીવીર ઇન્જેકશન નહિં નફો નહિ નુકશાનના ધોરણે મળશે

સોમવાર, 5 એપ્રિલ 2021 (21:17 IST)
મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણ નિયંત્રણ સંદર્ભે સાત જેટલા અત્યંત મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતીમાં સંક્રમિતોની સારવાર માટે ઓકસીજન સપ્લાય પૂરતા પ્રમાણમાં મળી રહે તેવી સંવેદના સાથે મુખ્યમંત્રીએ આ સપ્લાય સુનિશ્ચિત કરવા ખાસ તાકીદ કરી હતી.
 
તદઅનુસાર, બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, રાજ્યમાં ઓકસીજનનું ઉત્પાદન કરનારા ખાનગી ઉત્પાદકોએ પોતાના ઉત્પાદનના ૬૦ ટકા કોરોના સંક્રમણ નિયંત્રણ માટે તબીબી સુવિધાઓ હેતુસર આરોગ્ય ક્ષેત્ર માટે આપવાના રહેશે. માત્ર ૪૦ ટકા ઉત્પાદન સપ્લાય તેઓ ઔદ્યોગિક વપરાશ માટે ઉપયોગમાં લઇ શકશે. 
 
મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ રાજ્યમાં મહાનગરપાલિકા ધરાવતા ૮ મહાનગરોમાં પ૦૦-પ૦૦ બેડના કોવિડ કેર સેન્ટર શરૂ કરવા તેમજ તેની તબીબી કામગીરીના સુપરવિઝન, દેખરેખ સંકલન માટે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જૂનાગઢ, જામનગર, ભાવનગર અને ગાંધીનગર માટે ૮ IAS-IFS અધિકારીઓને વિશેષ જવાબદારી સોંપી છે. સંબંધિત જિલ્લાઓમાં જરૂરિયાત મુજબ જિલ્લા કલેકટર, મ્યુનિસિપલ કમિશનર આવા ડેડીકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર, કોવિડ કેર સેન્ટરની મંજુરી આપી શકશે.
 
રાજ્યમાં કોવિડ-19 દર્દીઓની સંખ્યામાં થઇ રહેલા સતત વધારાને ધ્યાનમાં રાખીને કોર કમિટિમાં એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે રાજ્યમાં ખાનગી નર્સિંગ હોમ, કલીનીકસ આઇ.સી.યુ કે વેન્ટીલેટરની સુવિધા વિના ડેડીકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર અને ડેડીકેટેડ કોવિડ કેર સેન્ટર શરૂ કરી શકશે. 
 
આવા ડેડીકેટેડ કોવિડ હેલ્થકેર સેન્ટર માટે પ્રતિદિન વધુમાં વધુ રૂ. બે હજાર અને ડેડીકેટેડ કોવિડ કેર સેન્ટર માટે પ્રતિદિન મહત્તમ ૧પ૦૦ રૂપિયા ચાર્જ લઇ શકાશે. આ ચાર્જમાં રેમડીસીવીર ઇન્જેકશનની કિંમતોનો સમાવેશ થતો નથી એટલે કે આવા ઇન્જેકશનનો ચાર્જ અલાયદો લેવામાં આવશે.
 
મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે રાજ્યમાં સોલા સિવીલ હોસ્પિટલ, એસ.વી.પી. હોસ્પિટલ અમદાવાદ, ગુજરાત કેન્સર સોસાયટીની હોસ્પિટલ તેમજ એલ.જી. અને નગરી હોસ્પિટલ અમદાવાદ આ બધી જ હોસ્પિટલોમાં કોરોના સંક્રમિતો માટે રેમડિસીવીર ઇન્જેકશન આગામી ત્રણથી પાંચ દિવસમાં નહિં નફો નહિ નુકશાનના ધોરણે સંબંધિત હોસ્પિટલના મેડીકલ સ્ટોર્સમાંથી ઉપલબ્ધ કરાવાશે તેવો પણ સંવેદનશીલ નિર્ણય કોર કમિટિમાં કર્યો છે.
 
કોરોનાનો વ્યાપ અને ચેપ ફેલાતો અટકાવવા માસ્ક અનિવાર્ય છે. એટલું જ નહિ, યોગ્ય રીતે અને યોગ્ય માસ્ક પહેરવાથી ચેપ લાગવાની સંભાવના ઘટી જાય છે. આ સંદર્ભમાં સૌ ટ્રિપલ લેયર માસ્કનો ઉપયોગ કરે તે હિતાવહ છે
. મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રીએ આ સમગ્ર વિષયની ગંભીરતા ધ્યાને લઇને એવો નિર્ણય કર્યો છે કે, રાજ્ય સરકાર બધી જ APMC અને અમૂલ પાર્લર પરથી નજીકના ભવિષ્યમાં ટ્રિપલ લેયર માસ્ક માત્ર રૂ. ૧ ની નજીવી કિંમતે ઉપલબ્ધ કરાવશે.
 
મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલની અધ્યક્ષતાની આ કોર કમિટિ બેઠકમાં રાજ્યની સમગ્રતયા કોવિડ-19 કોરોનાની સ્થિતીની નિયમીત પણે સમીક્ષા હાથ ધરવામાં આવે છે. આ બેઠકમાં અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતી રવી, ફૂડ એન્ડ ડ્રગ કમિશનર હિતેશ કોષિયા તેમજ આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે સહિતના વરિષ્ઠ અધિકારીઓ પણ જોડાયા હતા

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર