ગુજરાતમાં ટ્રાફિક ભંગમાં બે વર્ષમાં 56.17 લાખ ઈ-મેમો ઈશ્યૂ થયા, 309 કરોડનો દંડ વસૂલવાનો હજુય બાકી

ગુરુવાર, 17 માર્ચ 2022 (17:28 IST)
ગુજરાતભરમાં ડાંગ સિવાયના તમામ જિલ્લા તેમજ મોટા શહેરોમાં મોટાભાગના ટ્રાફિક જંક્શન પર લગાવાયેલા કેમેરામાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા પકડાયેલા વાહનચાલકોને 56,17,545 ઈ-મેમો ઈશ્યૂ કરવામાં આવ્યા છે. જોકે, રાજ્ય સરકાર દંડની કુલ રકમમાંથી માત્ર 61.42 કરોડ રુપિયા જ વસૂલ કરી શકી છે, જ્યારે 309.33 લાખ કરોડ રુપિયા હજૂય વસૂલવાના બાકી છે. આ માહિતી હાલમાં ચાલી રહેલા વિધાનસભા સત્રમાં વિપક્ષ દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકારે ગૃહ સમક્ષ રજૂ કરી હતી.રાજ્ય સરકારે આપેલા આંકડા અનુસાર, ડાંગને બાદ કરતા ગુજરાતના તમામ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ઈ-મેમો ઈશ્યૂ કરવામાં આવ્યા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 18,23,603 ઈ-ચલણ ઈશ્યૂ કરાયા છે, જેની વસૂલવામાં આવેલી દંડની રકમ 14.52 કરોડ રુપિયા થાય છે, જ્યારે 10.77 કરોડ રુપિયા વસૂલ કરવાના બાકી છે. અમદાવાદ બીજા ક્રમે રાજકોટ જિલ્લો આવે છે, જ્યાં 14.92 લાખ ઈ-મેમો ઈશ્યૂ થયા છે જેની દંડની 17.57 કરોડ રુપિયા રકમ વસૂલ થઈ છે, જ્યારે બાકી નીકળતી રકમ 11.36 કરોડ રુપિયા થાય, જે અમદાવાદથી પણ વધારે છે. નવાઈની વાત એ છે કે, રાજકોટમાં અમદાવાદ કરતાં ઓછા મેમો જનરેેટ થયા છે, પરંતુ દંડની વસૂલાયેલી અને બાકી નીકળતી રકમનો આંકડો અમદાવાદથી વધારે થાય છે.અમદાવાદ અને રાજકોટની સરખામણીએ સુરતમાં માત્ર 1.69 લાખ ઈ-મેમો ઈશ્યૂ કરાયા છે, જેમાંથી દંડની કુલ 1.15 કરોડની રકમ જમા થઈ છે, અને 98.48 લાખ રુપિયા વસૂલવાના હજુ બાકી છે. આમ, ઘરે આવેલા ઈ-મેમોનો દંડ ના ભરવાનું પ્રમાણ અમદાવાદ અને રાજકોટ કરતાં સુરતમાં વધારે થાય છે. વડોદરામાં બે વર્ષ દરમિયાન 9.82 લાખ ઈ-મેમો ઈશ્યૂ થયા છે, જેની દંડની રકમ 9 કરોડ થાય છે, પરંતુ જિલ્લામાં અડધાથી ઉપર દંડ વસૂલવાનો બાકી છે, જે રકમ 5.35 કરોડ રુપિયા થાય છે.રાજ્ય સરકારે જાહેર કરેલા આંકડા અનુસાર, રાજ્યના 33 જિલ્લામાંથી 13 જિલ્લા એવા છે કે જ્યાં બે વર્ષમાં 50 હજારથી પણ વધુ ઈ-મેમો ઈશ્યૂ થયા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર