ધાનેરાના 54 ગામ આંજણા ચૌધરી સમાજનો ઠરાવ, યુવાનો ફેશનેબલ દાઢી રાખશે તો 51 હજાર દંડ

સોમવાર, 3 એપ્રિલ 2023 (19:20 IST)
સમાજમાં અફીણ પ્રથા ચાલુ રહેશે તો 1 લાખ રૂપિયાના દંડની જોગવાઈ કરાઈ
 
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે 54 ગામ આંજણા ચૌધરી સમાજની બેઠકમાં કેટલાક ઠરાવો કરવામાં આવ્યાં છે. આગેવાનોનું કહેવું છે કે સમાજની બેઠકમાં 21 ઠરાવો કરવામાં આવ્યાં છે. આ બેઠકમાં એક ઠરાવ એ પણ હતો કે સમાજમાં જો કોઈ યુવાન ફેશનેબલ દાઢી રાખશે તો તેને 51,000 રૂપિયાનો જંગી દંડ ફટકારવામાં આવશે. 
 
ધાનેરા ખાતે આવેલી કોલેજના કેમ્પસમાં આંજણા ચૌધરી સમાજના આગેવાનો, વડીલો અને યુવાનો આ બેઠકમાં હાજર રહ્યા હતા. દરમિયાન શિકારપુરા ધામના ગાદિપતિ દયારામ મહારાજે કહ્યું કે, દાઢી રાખવી એ હિન્દુ ધર્મમાં સંત-મહાત્માઓનું કામ છે. યુવાનો આવી દાઢી રાખે એ સમાજને ન શોભે તેથી દાઢી રાખવી જોઈએ નહીં. બેઠકમાં દાઢી રાખનારા આંજણા ચૌધરી સમાજનો કોઈ યુવાન હવેથી દાઢી રાખશે નહીં. જો રાખશે તો તેને 51 હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે.
 
સમાજના પ્રમુખ રાયમલ પટેલે બેઠકમાં કહ્યું કે, આંજણા સમાજમાં વ્યસનો બંધ કરવા જોઈએ. પ્રસંગમાં થતા ખોટા ખર્ચા પણ બંધ કરવા જોઈએ. મરણ પ્રસંગમાં અફીણ પ્રથાને પણ નાબૂદ કરવી જોઈએ. સમાજમાં અફીણ પ્રથા ચાલુ રહેશે તો 1 લાખ રૂપિયાના દંડ. લગ્નમાં દીકરીને પેટી ભરવામાં 51000થી વધારે નહીં આપવા, લગ્નમાં વોનોળા પ્રથા બંધ, ભોજન સમારંભમાં પૌષ્ટીક આહાર, ડીજે પર પ્રતિબંધ, લગ્નમાં પીરસવા ભાડૂતી માણસો નહીં, મરણમાં બહેનોના રૂપિયા ન લેવા કે ન આપવા, મરણના બારમાના દિવસે રાવણું કરી પછી કોઈએ જવું નહીં સહિતના નિયમો બનાવાયા છે.
 
ધાનેરા ખાતેની બેઠકમાં આ જોગવાઈઓ કરાઈ
 
સમાજમાં સમૂહ લગ્નનું આયોજન કરવું
દીકરી તથા દીકરાને પાટે સવારે બેસાડવાનું રાખવું તથા દીકરાનો જમણવાર પાટના દિવસે કરી દેવો, મામેરૂ પણ એજ વખતે ભરવું
મરણ પ્રસંગમાં અફીણ બંધ કરવામાં આવે છે, જે ચાલુ રાખશે તેને એક લાખનો દંડ
પાટ તથા ચોરીમાં ભાઈ બહેને 1100 રૂપિયાથી વધારે નહીં આપવા, ચોરીમાં આવેલા રૂપિયા જાહેરમા ગણવા નહીં
સારા પ્રસંગે પીઠમાં થાપા નહીં આપવા ફક્ત રંગનો છંટકાવ કરવો
લગ્ન પ્રસંગમાં ફટાકડા લીમીટમાં ફોડવા તથા કંકોત્રી સાદી છપાવવી
લગ્નપ્રસંગમાં વોનોળા પ્રથા બંધ કરવી
દીકરીની પેટીમાં 51 હજારથી વધારે ના ભરવી
ભોજન સમારંભમાં જમવાનું પૌષ્ટિક બનાવવું અને પીરસવા માટે ભાડુતિ માણસો ના લાવવા
લગ્ન પ્રસંગી ડી જે પર પ્રતિબંધ મુકવામાં આવે છે
મરણ પ્રસંગે વરાડ 10 રૂપિયા જ લેવા, બહેનોએ એક પણ રૂપિયાની આપ લે ના કરવી
બારમાના દીવસે રાવણું કરીને પછી કોઈએ જવું નહીં
મરણ પ્રસંગ પછી મરણ પામેલા વ્યક્તિના સગાને ત્યાં ભેગા થવા જવું નહીં
મરણ પ્રસંગમાં દીવો બાળવા માટે સગા વ્હાલાને બોલાવવા નહીંટ

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર