રાજકોટ જિલ્લામાં બપોરે 3.50 વાગ્યે 4.1 મેગ્નિટ્યુટની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે જેની અસર ધોરાજી, જામકંડોરણા અને ઉપલેટા તાલુકાના અલગ અલગ ગામોમાં થઈ હતી અને ઘણા લોકોએ 4 સેકન્ડ સુધી ધરા ધ્રૂજી હોવાનું જણાવ્યું હતું.
સૌરાષ્ટ્રમાં છેલ્લા ત્રણેક મહિનાથી ભૂકંપ આંચકા અવાર-નવાર અનુભવાઈ રહ્યાં છે. 20 દિવસ પહેલા પણ રાજકોટમાં ત્રણ જેટલા ભૂકંપના આંચકા આવ્યા હતા. આજે બપોરે 3.50 વાગ્યાની આસપાસ રાજકોટ જિલ્લાના જેતપુર, ઉપલેટા, ગોંડલ, ધોરાજી સહિતના વિસ્તારમાં 4 સેકન્ડ સુધી 4.1ની તિવ્રતાનો ધરતીકંપ અનુભવાયો હતો. ભૂકંપનો આંચકો આવવાથી રહેવાસીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને રહિશો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપનું એપી સેન્ટર ઉપલેટાથી 25 કિ.મી. દૂર હોવાનું પ્રાથમિક ધોરણે જાણવા મળ્યું છે.