અમદાવાદની જેબર સ્કૂલમાંથી એક દુઃખદ સમાચાર આવ્યા છે, જ્યાં એક 8 વર્ષની બાળકીનું અચાનક મૃત્યુ થયું છે. છોકરી ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી હતી. તે સવારે શાળાએ પહોંચી અને થોડા સમય પછી, તે અચાનક શાળાની લોબીમાં પડી ગઈ. શાળા પ્રશાસને છોકરીને CPR (Cardiopulmonary Resuscitation)આપ્યું અને પછી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી અને તેને હોસ્પિટલ લઈ ગઈ.
શાળાની પ્રિંસિપલે કરી આ વાત
શાળાના પ્રિંસિપલ શર્મિષ્ઠા સિંહાએ જણાવ્યું હતું કે જ્યારે બાળકી સવારે શાળાએ આવી ત્યારે તેને કોઈ શારીરિક સમસ્યા નહોતી. શાળામાં પ્રવેશ્યા પછી, વિદ્યાર્થીની સામાન્ય દિવસની જેમ તેના વર્ગ તરફ જઈ રહી હતી. અચાનક તેણીને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી અને તે નજીકની બેન્ચ પર બેસી ગઈ, જ્યારબાદ તે બેંચ પરથી ઢસળી પડી. શાળા પ્રશાસને તાત્કાલિક તેને CPR આપ્યો અને એમ્બ્યુલન્સ બોલાવી અને નજીકની હોસ્પિટલમાં મોકલી દીધી. જ્યાં ડોક્ટરે બાળકીને મૃત જાહેર કરી છે. આ સમાચાર સાંભળ્યા પછી શાળામાં શોકનો માહોલ છે.
દાદા-દાદી સાથે રહેતી હતી બાળકી
બાળકી અમદાવાદમાં તેના દાદા-દાદી સાથે રહેતી હતી, જ્યારે તેના માતાપિતા મુંબઈમાં રહે છે. બાળકીની તબિયત બગડતાની સાથે જ... તેના માતા-પિતા મુંબઈથી અમદાવાદ જવા રવાના થઈ ગયા. પ્રાથમિક માહિતી અનુસાર, બાળકીના મૃત્યુનું કારણ કાર્ડિયાક અરેસ્ટ હોવાનું કહેવાય છે. પોલીસે બાળકીનું પોસ્ટમોર્ટમ (પીએમ) કરાવવાનું નક્કી કર્યું છે જેથી મૃત્યુનું સાચું કારણ જાણી શકાય.