બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોની વણઝાર જામી છે. સતત એક પછી એક અકસ્માતો બનાવો બનતા જાય છે. જેમાં અઠવાડિયા અગાઉ અમીરગઢ હાઇવે પર આવેલી કોરોના હોટલ પાસે અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા, જ્યારે પચાસથી વધુ લોકોને ઇજા પહોંચી હતી. ત્યારે ફરી એકવાર અમીરગઢ નેશનલ હાઇવે પર રાજસ્થાન તરફથી કાર લઇને આવી રહેલા ચાર મિત્રોની કાર ટ્રક પાછળ ધડાકાભેર ટકરાતાને ચારેયને ગંભીર ઇજા પહોંચી હતી. આ અકસ્માતમાં 2 વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નીપજતા અરેરાટી પ્રસરી જવા પામી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે રવિવારે અમીરગઢના લક્ષ્મીપુરા ગામ નજીક નેશનલ હાઇવે પર બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બન્ને ટ્રાકોમાં આગ લાગી હતી, જેમાં એક ટ્રક બળીને ખાખ થઇ ગઇ હતી. જ્યારે બંને ટ્રકોના ડ્રાઇવરોના આબાદ બચાવ થયાં છે. જ્યારે થરાદ-સાંચોર હાઇવે પર ગુરૂવારે સાંજે સાંચોર રોડ પર સર્જાયેલા રોડ અક્સ્માતમાં શહેરની સરકારી હોસ્પિટલમાં આઉટસોર્સ કર્મચારી તરીકે ફરજ બજાવતા ભાપી ગામના યુવકનું અકસ્માતમાં કરૂણ મોત નિજ્યું હતું.