અમિત શાહે સાળંગપુરમાં જે ભોજનાલયનું લોકાર્પણ કર્યું ત્યાં 20 મિનિટમાં બની જશે 180 કિલો ખીચડી

ગુરુવાર, 6 એપ્રિલ 2023 (13:00 IST)
બોટાદ જિલ્લામાં આવેલા સાળંગપુર ધામમાં 55 કરોડના ખર્ચે નિર્માણ પામેલા ભોજનાલયનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ થયું છે. 7 વીઘા જમીનમાં બનેલા આ ભોજનાલય ભલભલાની આંખો પહોળી કરી દે એવું છે. અહીંના હરીપ્રસાદ સ્વામીએ મીડિયાને જણાવ્યું હતું કે, છેલ્લાં 100 વર્ષથી યાત્રાળુ માટે પ્રસાદની વ્યવસ્થા છે. ભોજનાલય તો મોટું જ હતું. પરંતુ ધીમે ધીમે એટલા બધા માણસો વધ્યા એટલે શ્રદ્ધાળુઓની સંખ્યા પ્રમાણે નાનું લાગતું હતું. લોકોને તાપમાં લાઇનમાં ઊભું રહેવું પડતું હતું એટલે સંતો અને આચાર્ય મહારાજે એમ બધાએ મળીને કીધું કે આપણે કંઈક વિચારો વ્યવસ્થા માટે.

આ બહુ મોટું એટલે સાડા ત્રણ લાખ સ્ક્વેરફૂટમાં આ ભોજનાલયનું બાંધકામ થયું છે, આપ જોઇ રહ્યા છો તેની વિશાળતા, ભવ્યતા, દિવ્યતા. રસોઇ બનાવવાનાં જે સાધનો છે તેમાં એકસાથે 10 હજાર માણસોની દાળ, શાક અને ખીચડી બની શકે એવી બધી જ વ્યવસ્થાઓ છે.ભોજનાલયમાં સ્ટાફ રૂમ અને કોઠાર રૂમ અંગે વાત કરતા તેઓ કહે છે કે, ગ્રાઉન્ડ ફ્લોરમાં પાર્કિંગ આવેલું છે. તેની ઉપર સ્ટાફ માટે 79 રૂમ છે. બાકી રસોડા વિભાગના પેસેજમાં મોટા મોટા કોઠાર રૂમો છે. જેમાં તેલ, દાળ-ઘી જેવી સામગ્રી રાખવામાં આવે છે. તેમજ 5000 મણ ચોખા રહી શકે એવડો તો કોલ્ડસ્ટોરેજ છે. જ્યારે ત્રીજા માળે બે ડાઇનિંગ હોલ છે. જેમાં 8000 લોકો જમી શકે એવી વ્યવસ્થા છે. આ ઉપરાંત વિશેષ ભક્તો માટે ત્રણ ડાઇનિંગ હોલ છે. જેમાં એકમાં 500, બીજામાં 150 અને ત્રીજામાં 50 જેટલા લોકો બેસી શકે એવી વ્યવસ્થા છે.

સાળંગપુર ધામની અંદર ટેક્નોલોજી એવી છે કે ઓઇલ સિસ્ટમથી રસોઈ બનશે. અહીં એવાં તપેલાં છે જ્યાં 8 હજાર માણસોના જમવા માટે શાક બની જાય, 10 હજાર લોકોના જમવા માટે દાળ બની જાય અને જે કૂકર ટાઈપ તપેલાં છે, તેની અંદર એકસાથે 180 કિલો ચોખા કે 180 કિલો ખીચડી માત્ર 20 મિનિટની અંદર બનીને તૈયાર થઈ જાય છે અને આનું કારણ એટલું જ છે કે આખું તપેલું એકસાથે ગરમ થાય છે. નીચે અગ્નિ લાગે અને ગરમ થાય એવું નહીં એટલે આમાં ક્યારેય દાઝવાનો પ્રશ્ન નહીં. ખીચડી દાઝે નહીં, શાક દાઝે નહીં, કોઈ દિવસ માણસ પણ દાઝે નહીં. તપેલાની અંદર ખાદ્યપદાર્થ 10 કલાક સુધી ગરમ રહેશે અને બહારથી જ્યારે આપણે તપેલાને અડીએ ત્યારે ઠંડું લાગે તેવી બધી જ વ્યવસ્થા કરવામાં આવી છે.

આખું ભોજનાલય બનાવવામાં 17 લાખ ઈંટો વાપરવામાં આવી છે અને તે તમામ ઈંટો પર શ્રી રામ મંત્ર લખવામાં આવ્યું છે. આખા ભોજનાલયનું જે ફ્લોરિંગ છે તેની અંદર પ્રસાદીની માટી, સ્વામિનારાયણ ભગવાનનાં 6 ધામો બાકીના જે ગોકુળ, મથુરા, વૃંદાવન, દ્વારકા, સોમનાથ, બદ્રીનાથ, કેદારનાથ, જગન્નાથપુરી, રામેશ્વર આ બધાં તીર્થોની માટી, ગંગાજીની રેતી એ બધું જ મિક્સ કરી આ ફલોરિંગની અંદર પાથરવામાં આવ્યું છે અને ટાઇલ્સની અંદર પણ તે માટી નાંખવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર