આઇપીએલ માટે ડીસીપી-એસીપી સહિત 1600 પોલીસ કર્મીઓ તૈનાત, પાર્કિંગથી સ્ટેડિયમ સુધી ફ્રી સર્વિસ

ગુરુવાર, 30 માર્ચ 2023 (10:37 IST)
દેશભરના ક્રિકેટ ચાહકો ઈન્ડિયન પ્રીમિયર લીગની રાહ જોઈ રહ્યા છે. ભારતના તહેવાર ગણાતા IPLની નવી સિઝનને હવે ગણતરીના દિવસો બાકી છે. IPLની 16મી સિઝનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને પ્રથમ મેચમાં ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળશે. IPLની પ્રથમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
 
આઈપીએલની 2023 સીઝનની શરૂઆત રંગારંગ કાર્યક્રમ સાથે થશે
આગામી બે દિવસ બાદ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રંગારંગ કાર્યક્રમ સાથે IPLની 2023 સીઝનની શરૂઆત થશે. આઈપીએલની પ્રથમ મેચને લઈને શહેરમાં પોલીસ અરાજકતા અને ટ્રાફિક જામથી બચવા માટે એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ મેચને લઈને શહેરમાં 5 ડીસીપી, 10 એસીપી સહિત 1600 પોલીસકર્મીઓ તૈનાત રહેશે. આ ઉપરાંત લગભગ 800 ખાનગી સુરક્ષા ગાર્ડ પણ તૈનાત રહેશે. મેચને કારણે અમદાવાદના કેટલાક રસ્તા વાહનચાલકો માટે બંધ રહેશે.
 
મેટ્રો ટ્રેન દર 8 થી 10 મિનિટે દોડશે
અમદાવાદમાં મેચ દરમિયાન લોકો સામૂહિક પરિવહનનો ઉપયોગ કરે છે. જેના કારણે ક્રિકેટ પ્રેમીઓ અને શહેરીજનો માટે 29 વધારાની BRTS બસો દોડાવવામાં આવશે. આ ઉપરાંત એએમટીએસના રૂટનું પણ વિસ્તરણ કરવામાં આવશે અને મેટ્રો પણ મોડી રાત સુધી દોડશે. મેટ્રો ટ્રેન દર 8 થી 10 મિનિટે દોડશે. પાર્કિંગ માટે 20 પ્લોટ ફાળવવામાં આવ્યા છે. 
 
આ પાર્કિંગ પ્લોટમાં ફોર વ્હીલર, ટુ વ્હીલર અને એક VIP પાર્કિંગ હશે જે સ્ટેડિયમની અંદર હશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમના ગેટ નંબર 3 પરથી VIP એન્ટ્રી આપવામાં આવે છે. આ વખતે પાર્કિંગ પ્લોટમાં વાહનો પાર્ક કરીને સ્ટેડિયમ પાસેના ગેટ નંબર 1 અને 2 સુધી પાર્કિંગમાંથી ઈકો કારમાં વિનામૂલ્યે ઉતારવામાં આવશે. સ્ટેડિયમમાં વરિષ્ઠ નાગરિકો માટે ગોલ્ફ કાર પણ રાખવામાં આવશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર