ગુજરાતના 16 નાના મોટા ધાર્મિક સ્થળોનો વિકાસ થશે, મુખ્યમંત્રીએ બેઠકમાં તાત્કાલિક 37.80 કરોડ મંજુર કર્યા

શનિવાર, 7 ઑક્ટોબર 2023 (15:29 IST)
16 small and big religious places of Gujarat will be developed
રાજ્ય સરકારના ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડને અલગ-અલગ સંસ્થાઓ/ટ્રસ્ટો દ્વારા નાના-મોટા તીર્થસ્થાનોના વિકાસ માટેની દરખાસ્તો મળેલ હતી કે જે દરખાસ્તો ઉપર વિચારણા કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યના ગ્રામ્ય કક્ષાના નાના-નાના દેવસ્થાનોના વિકાસ માટે રૂપિયા 37.80 કરોડની સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે. જીપીવાયવીબીના સચિવ આર. આર. રાવલે આ માહિતી આપતા જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં જીપીવાયવીબીના અધિકારીઓ સાથે ગાંધીનગરમાં એક બેઠક યોજી હતી કે જેમાં મુખ્યમંત્રીએ બોર્ડની ગ્રામ્ય કક્ષાના દેવસ્થાનોના વિકાસ અંગેની દરખાસ્તોને મંજૂરી આપી હતી.

મુખ્યમંત્રી દ્વારા જે દેવસ્થાનોના સર્વાંગી વિકાસ માટે સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવેલ છે, તેમાં વડોદરા જિલ્લાના 4 તીર્થસ્થાનોના વિકાસ માટે રૂપિયા 7.45 કરોડના કામોને મંજુરી આપવામાં આવી છે. વડોદરા જિલ્લાના આ 4 તીર્થસ્થાનોમાં શિનોર તાલુકાના બરકાલ ખાતે આવેલ વ્યાસેશ્વર મહાદેવ, ડભોઈ ખાતે આવેલ ગઢભવાની માતાજી મંદિર, રાયપુર મુકામે આવેલ ભાથીજી મંદિર અને પાદરા તાલુકાના ડબકા ખાતે આવેલ મહીસાગર માતા મંદિરનો સમાવેશ થાય છે. તેવી જ રીતે મહેસાણા જિલ્લાના 6 તીર્થસ્થાનોના વિકાસ માટે રૂ. 15.66 કરોડના કામોને સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે.

આ તીર્થસ્થાનોમાં ઉંઝા તાલુકાના ઉપેરા ખાતે આવેલ ઠાકોરજી મંદિર, ઉંઝાના ઉનાવા ખાતે આવેલ નીલકંઠેશ્વર મહાદેવ મંદિર, હનુમાન મંદિર તથા શનિદેવ મંદિર, કડી ખાતે આવેલ દશામા મંદિર અને વિસનગર તાલુકાના વાલમ ખાતે આવેલ શ્રી કૃષ્ણ મંદિરનો સમાવેશ થાય છે.આ બેઠકમાં અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકાના મોટી બોરુ ખાતે આવેલ  ભેટડિયા ભાણ મંદિરના વિકાસ કામો માટે રૂ. 4.09 કરોડની સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે.પાટણ જિલ્લામાં સમી તાલુકાના વુરાણા મુકામે આવેલ ખોડિયાર માતા મંદિર તથા તળાવ બ્યુટીફિકેશનના કામો માટે રૂપિયા 4.48 કરોડની સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે.

રાજકોટ જિલ્લામાં જેતપુર તાલુકાના કાગવડ ખાતે આવેલ શ્રી ખોડલધામ મંદિરના વિકાસ કામો માટે રૂપિયા 1.64 કરોડની સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે. અરવલ્લી જિલ્લામાં મોડાસા તાલુકાના મેઢાસણ ખાતે આવેલ રિધ્ધિ-સિધ્ધિ ગણપતિ મંદિરના વિકાસ કામો માટે રૂપિયા 1.30 કરોડની સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે. મહેસાણા જિલ્લામાં ચંદ્રાસણ ખાતે આવેલ રાજ્ય સરકાર હસ્તકના ચંદ્રેશ્વર મહાદેવ મંદિરના વિકાસ કામો માટે રૂપિયા 47.57 લાખની સૈદ્ધાંતિક મંજુરી અને પાટણ જિલ્લાના ભુતિયાવાસણા ખાતે આવેલ ભુતેશ્વર મહાદેવ મંદિરના વિકાસ કામો માટે રૂપિયા 2.70 કરોડની સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર