દર વર્ષની માફક આ વર્ષે પણ ગણેશ ઉત્સવ દરમિયાન અનેક બાબતોને ધ્યાનમાં રાખીને આયોજકો વીમો ઉતારતા હોય છે.સુરત શહેરની અંદર ભગવાનને પ્લેટિનિયમ સોનું, ચાંદી, રિયલ ડાયમંડ સહિતના કિંમતી ધાતુઓ વડે પણ શણગાર કરવામાં આવતો હોય છે. ગણેશજીની પ્રતિમા ઉપરના જે આભૂષણો હોય છે તે આભૂષણો ઘણા ગણેશ આયોજકો રીયલ પહેરાવતા હોય છે. જેની કિંમત લાખો રૂપિયામાં થાય છે. જે જોવામાં ખૂબ જ આકર્ષક લાગતા હોય છે અને લોકો દર્શનાર્થે ખૂબ મોટી સંખ્યામાં પણ આવે છે. અલગ અલગ થીમ ઉપર ખૂબ મોટા ગણેશજીની સ્થાપના કરવામાં આવી રહી છે.
ટોરિન વેલ્થ મેનેજમેન્ટના ફાઉન્ડર જીગ્નેશ માધવાણીયાએ મીડિયાને જણાવ્યું હતું કે, દર વર્ષની માફક આ વર્ષે પણ ગણેશ આયોજક દ્વારા વીમા માટે એપ્લાય કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં પાંચથી સાત જેટલા વીમા એપ્લાય કરી દેવામાં આવ્યા છે. જેની કુલ કિંમત 25 કરોડ જેટલી થવા જાય છે. એટલું જ નહીં પરંતુ આગામી બે દિવસની અંદર જ આ આંકડો 100 કરોડ સુધી પહોંચે એવા મારો અંદાજ છે.દર્શનાર્થે ભક્તો આવશે જો તેમને કોઈક અગમ્ય કારણસર દોડાદોડી થાય કે બીજી કોઈ ઘટના બને અને મોત નીપજે તો તેમને રૂપિયા એક લાખ સુધીનું વળતર ચૂકવવામાં આવશે અને ઈજા થાય તો રૂપિયા 20,000 સુધી ચૂકવવા માટેનું પણ વીમા કવચ લેવામાં આવ્યું છે.