મુખ્યપ્રધાન રૂપાણીએ રાજ્યના સૌથી ઊંચા 67 મીટરના રાષ્ટ્રધ્વજનું લોકાર્પણ કર્યું

સોમવાર, 14 ઑગસ્ટ 2017 (13:54 IST)
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આજે ગુજરાતના સૌથી ઉંચા 67 મીટરના રાષ્ટ્રધ્વજનું લોકાર્પણ કર્યું હતું. વડોદરા શહેરના સમા તળાવ પાસે તૈયાર કરવામાં આવેલા ફ્લેગ ગાર્ડનમાં ફરકાવવામાં આવેલા રાષ્ટ્રીય ધ્વજને નિહાળવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં હતાં. આ ઉપરાંત આ ઉપરાંત તેમણે ગુજરાતનું પ્રથમ રૂફ ટોપ સોલાર સિસ્ટમ સાથેના અત્યાધુનિક હરણી પોલીસ મથકનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવી મૂકનાર ચોટલી કાંડને બોગસ અને ઉપજાવી નાંખેલી વાત જણાવી હતી.તેમણે ચોટી કાંડ બોગસ અને મહિલાઓ દ્વારા ઉપજાવી નાંખેલી વાત હોવાનું જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, હવે ચોટલા કાપી નાંખવાની વાત સામે આવશે તો પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતનો સૌથી મોટો 67 મિટર ઉંચો રાષ્ટ ધ્વજ વડોદરામાં બનાવવામાં આવ્યો છે. જે માત્ર વડોદરાનું જ નહિં પરંતુ, સમગ્ર ગુજરાતનું ગૌરવ છે. આ રાષ્ટ ધ્વજ શહેરનું એક નજરાણું બની રહેશે. વડોદરાનો સ્માર્ટ સિટીમાં સમાવેશ થયો છે. ત્યારે આ ફ્લેગ વડોદરાની સુંદરતા અને સંસ્કુતિમાં ઉમેરો કરશે. સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવી રહેલા સ્વાઇફ્લુ અંગે જણાવ્યું કે, સરકાર આ જીવલેણ રોગ સામે ચિંતીત છે. સ્વાઇન ફ્લુને કાબુમાં લેવા માટે તબીબોની ટીમો કાર્યરત છે. આ સાથે સરકારનું આરોગ્ય વિભાગ પણ સ્વાઇન ફ્લુ ઉપર ચાંપતી નજર રાખી રહ્યું છે. ગુજરાતની તમામ હોસ્પિટલોમાં સ્વાઇન ફ્લુના દર્દીઓને સારામાં સારી સારવાર મળી રહે તે માટે સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર