આઠ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીનું અધ્યક્ષપદ હવે મ્યુનિ. કમિશનર સંભાળશે

ગુરુવાર, 30 ઑગસ્ટ 2018 (12:02 IST)
અમદાવાદ સહિતના રાજ્યના આઠેય મ્યુનિસિપલ કોર્પોરેશનના શહેરી વિકાસ સત્તા મંડળોના અધ્યક્ષ તરીકે રાજકીય નેતાઓની નિમણૂક પર સરકારે પાબંદી લાદી દીધી છે. હવેથી ઔડા- અમદાવાદ, વુડા- વડોદરા, સુડા- સુરત, રૂડા- રાજકોટ, જાડા- જામનગર, બાડા- ભાવનગર, જૂડા- જૂનાગઢ અને ગુડા એટલે કે ગાંધીનગરના શહેરી વિકાસ સત્તા મંડળોના અધ્યક્ષ તરીકે જે તે મહાનગરોના મ્યુનિસિપલ કમિશ્નરો કાર્ય કરશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીના આ એક નિર્ણયને કારણે ભાજપના અનેક સિનિયર આગેવાનો- નેતાઓના સત્તા મંડળોના ચેરમેન મેળવવાના સપનાઓ ચકનાચૂર થયા છે. હાલમાં મોટા ભાગના શહેરી વિકાસ સત્તા મંડળના અધ્યક્ષોની મુદત પૂર્ણ થતી હોઈ, જે તે જિલ્લાના કલેક્ટરો તેનો કાર્યભાર સંભાળે છે. આવો નિર્ણય લેવા પાછળના કારણોમાં સરકારે એવું કહ્યું છે કે, શહેરી વિકાસ સંબંધિત કામગીરીમાં શહેરી વિકાસ અને શહેરી મ્યુનિ. સત્તા તંત્રના વડા કમિશ્નરો વચ્ચે સાતત્ય, સંકલન જળવાઈ રહે તે બાબત મુખ્ય છે. ઉપરાંત વિકાસલક્ષી કામો તથા શહેરી સુખાકારીમાં વધુ ત્વરિતતા અને ગતિ લાવવાનો હેતુ છે.
જ્યારે કેટલાક ટોચના IAS અધિકારીઓ તથા ભાજપના નેતાઓ ધારાસભ્યો માની રહ્યા છે કે સત્તા મંડળોના અધ્યક્ષોની મુદત પૂરી થવા છતા સરકારે તેના માટે કોઈ નવી નિમણૂકો આપી નહોતી. અમદાવાદ સહિતના તમામ મહાનગરોમાં ભાજપના આગેવાનો- નેતાઓ પોતાને આ પદ મળે તે માટે ભારે લોબિંગ કરતા હતા. ઘણાએ તો અધ્યક્ષ બનવાની તૈયારીઓ પણ કરી લીધી હતી પરંતુ આ નિર્ણયથી રાજકીય ચેરમેનોની નિમણૂકનો છેદ જ ઉડી ગયો છે. જો કે સરકારે આવી નિમણૂક કરી હોત તો અન્ય અગ્રણીઓમાં નવો અસંતોષ ફેલાય એવી ભીતિ હતી.
ઔડા સહિતના મોટા ભાગના શહેરી વિકાસ સત્તામંડળો દ્વારા જ તે વિસ્તારોમાં ઝોન પાડવામાં હતા તેમજ ડેવલપમેન્ટ પ્લાન પાસ કરાતા હતા. જેમાં અનેક વખત ગોટાળા અને ગેરરીતિઓ કરાઈ હતી અનેક વખત આક્ષેપો થયા હતા. જુદા જુદા શહેરોમાં આ સંદર્ભમાં ઘણાં વિવાદો થતા હતા. રાજકીય નિમણૂકો બંધ થતા અને આઇએએસ અધિકારી જ અધ્યક્ષપદે રહેવાથી આવી ગેરરીતિ અટકશે તેવી પૂરી શક્યતાઓ છે.
કોર્પોરેશન અને સત્તા મંડળની જવાબદારી એક જ વ્યક્તિ પાસે જવાથી તમામ વિસ્તારોનો સમતોલ વિકાસ થશે. જેમ કે, અલગ હતા ત્યારે કમિશ્નર જ્યાં ઔદ્યોગિક ઝોન જાહેર કરે તો ઔડાએ તેની બાજુમાં જ રહેણાંક ઝોન જાહેર કરે તો અસમતોલ વિકાસ થતો હતો. જેના પર હવે પૂર્ણવિરામ મૂકાઈ જશે. ભ્રષ્ટાચાર બંધ થશે તેમજ લોકોના કામો ફટોફટ થશે જ્યારે મુખ્ય ગેરફાયદો એ છે કે અમદાવાદ, સુરત જેવા મોટા શહેરોમાં મ્યુનિ. કમિશ્નર પાસે કામનો મોટો બોજો હોય છે તેઓ બધે પહોંચી વળશે કે કેમ તેની શંકા છે ઉપરાંત સત્તાનું પણ કેન્દ્રીકરણ થઈ જશે.
સરકારે લીધેલો આ નિર્ણય કાયમી છે કે કામચલાઉ ? તેની કોઈ સ્પષ્ટતા નથી પરંતુ સૂત્રો કહે છે કે, ભૂતકાળમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ લગભગ ૨૦૦૭- ૦૮ના સમયગાળામાં સત્તા વિકાસ મંડળના અધ્યક્ષપદે રાજકીય નિમણૂકો બંધ કરી હતી એ સમયે પણ મ્યુનિ. કમિશ્નરોને જ અધ્યક્ષ બનાવ્યા હતા. ત્યારબાદ ૨૦૧૨માં રાજકીય નિમણૂકો ફરીથી શરૂ થઈ હતી જે હવે ફરીથી બંધ થઈ છે. સરકાર જ્યાં સુધી નવો નિર્ણય નહીં લે ત્યાં સુધી રાજકીય નિમણૂકો થશે નહીં અને મ્યુનિ. કમિશ્નરો જ અધ્યક્ષની જવાબદારી સંભાળશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર