રાજકોટમાં ગરીબોને ડુંગળીનું દાન કરતાં કોંગ્રેસના કોર્પોરેટરની અટકાયત

સોમવાર, 11 મે 2020 (15:42 IST)
કોરોના વાયરસને કારણે ગરીબ પરિવારોની હાલત કફોડી બની છે. આ જ કારણે સમાજસેવી સંસ્થાઓથી લઈને સમાજસેવકો આ લોકોની મદદ કરવા માટે આગળ આવ્યા છે. અનેક જગ્યાએ સરકાર તરફથી પણ તેમના ખાવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. રાજકોટમાં ગરીબ પરિવારોની મદદ કરી રહેલા કૉંગ્રેસના એક કોર્પોરેટરની અટકાયત કરવામાં આવી છે. આ કોર્પોરેટરે  ગરીબ પરિવારોને 1200 મણ જેટલી ડુંગળીનું દાન કર્યું છે. પોલીસે સોશિયલ ડિસ્ટન્સિંગ  નું પાલન ન થતું હોવાની જણાવીને વિજય વાંકની અટકાયત કરી છે. વિજય વાંકની અટકાયત બાદ મોટી સંખ્યામાં કૉંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ માલવિયાનગર પોલીસ સ્ટેશન એકઠા થયા હતા. મીડિયા સાથેની વાતચીતમાં કોંગી કોર્પોરેટર વિજય વાંકે જણાવ્યું હતું કે, પોલીસ ભાજપનો હાથો બની કોંગ્રેસ દ્વારા જે લોકોને મદદ પહોંચાડવામાં આવે છે તે મદદ ન પહોંચે તે પ્રકારના કાર્યો કરી રહી છે. રાજકોટ શહેર પોલીસ દ્વારા પોતાના જે સન્માન કરાવવામાં આવી રહ્યા છે તે સન્માન કાર્યક્રમમાં પણ પોલીસ જાતે જ સોશિયલ ડિસ્ટન્સિંગ નથી જાળવી રહી.કૉંગ્રેસના કોર્પોરેટર વિજય વાંકની અટકાયત થતા રાજકોટ વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠિયા, રાજકોટ શહેર કૉંગ્રેસ પ્રમુખ અશોકભાઇ ડાંગર સહિતના નેતાઓ તેમજ આગેવાનો માલવિયાનગર પોલીસ સ્ટેશને દોડી ગયા હતા.  
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર