રાજસ્થાનમાં કોંગ્રેસની હારના ત્રણ કારણો ?

રવિવાર, 3 ડિસેમ્બર 2023 (17:57 IST)
રવિવારે ચાર રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીનાં પરિણામો આવી ગયાં છે. ભારતના ચૂંટણીપંચની વેબસાઇટ પ્રમાણે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપ બહુમતીની પાર દેખાઈ રહ્યો છે.
 
જ્યારે તેલંગણામાં ભારત રાષ્ટ્ર સમિતિ અને કે. ચંદ્રશેખર રાવના એક દાયકા લાંબા શાસનનો અંત આણવામાં કૉંગ્રેસને સફળતા મળતી દેખાઈ રહી છે.
 
પરિણામો અનુસાર રાજસ્થાન-છત્તીસગઢમાં કૉંગ્રેસ સત્તા ગુમાવી રહી હોય તેવી સ્થિતિ પેદા થઈ છે.
 
અહીં રાજસ્થાનનાં પરિણામોની ચર્ચા પ્રાસંગિક બની જાય છે, કારણ કે રાજ્યના મુખ્ય મંત્રી અશોક ગેહલોત હોય કે કૉંગ્રેસના મોટા નેતા તમામ ચૂંટણીપ્રચાર અને એ પહેલાં પણ રાજસ્થાનમાં સત્તાપલટાનું વલણ તોડીને ફરી એક વાર સત્તા પર વાપસી કરવાનો આત્મવિશ્વાસ વ્યક્ત કરી રહ્યા હતા.
 
પરંતુ રાજ્યનાં ચૂંટણીપરિણામ અગાઉ આવેલાં અનુમાનો જેવાં જ અંતિમ પરિણામ આવી રહ્યાં હોવાનું દેખાઈ રહ્યું છે.
 
ચૂંટણીપંચની વેબસાઇટ અનુસાર બપોરે એક વાગ્યાની સ્થિતિ અનુસાર રાજસ્થાનની 199 વિધાનસભા બેઠકોમાંથી ભાજપને 113 બેઠકો મળતી બતાવાઈ છે. જ્યારે કૉંગ્રેસ 70 બેઠક પર સમેટાતી જોવા મળી રહી છે.
 
નોંધનીય છે કે વર્ષ 1998થી રાજ્યમાં સતત કૉંગ્રેસ અને ભાજપ વારાફરતી સત્તા પર આવતાં રહ્યાં છે.
 
કૉંગ્રેસ તરફથી સચીન પાઇલટ, ગૌરવ ગોગોઈ અને ખુદ અશોક ગેહલોત પણ આ વલણ બદલવાનો વિશ્વાસ વ્યક્ત કરી ચૂક્યા હતા. પરંતુ પરિણામો જોતાં ફરી એક વાર રાજસ્થાનની જનતાએ આ વલણ જાળવી રાખ્યું હોવાનું જણાઈ રહ્યું છે.
 
રાજસ્થાનમાં ‘લોકોપયોગી યોજનાઓનો જાહેર જનતાને સીધો લાભ, અધિકારલક્ષી રાજકારણ’ના દમ પર જીતની આશા રાખતી કૉંગ્રેસની હારનાં કારણોની બીબીસી ગુજરાતીએ તપાસ કરી હતી.
 
‘લોકોપયોગી યોજનાઓના લાભ સપાટી સુધી ન પહોંચ્યા’
 
રાજસ્થાનમાં ગત પાંચ વર્ષમાં કૉંગ્રેસ રાજ્યમાં ઘણી ‘કલ્યાણકારી’ યોજનાઓ થકી ‘લોકોનાં જીવનમાં ધરમૂળથી બદલાવ’ લાવ્યાના અને ‘લોકો સુધી સીધા લાભ’ પહોંચાડ્યાના દાવા કરતી રહી છે.
 
પછી ભલે એ રાજ્યમાં મફત સારવારની ગૅરંટી આપતી ‘ચિરંજીવી સ્વાસ્થ્ય યોજના’ હોય, મફત વીજળી માટેની યોજના હોય કે અંગ્રેજી શિક્ષણ માટે અંગ્રેજી શાળા શરૂ કરવાની યોજના હોય. આ અને કૉંગ્રેસના શાસનમાં શરૂ કરાયેલી અન્ય યોજનાઓ થકી લોકોના જીવનમાં ‘હકારાત્મક બદલાવ’ આવ્યાના ઘણા દાવા કરાતા રહ્યા હતા.
 
જોકે, રાજસ્થાનના વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક ત્રિભુવનના મતે આ યોજનાઓના ‘લાભ લોકો સુધી પહોંચ્યાના દાવાનો જે રીતે પ્રચાર કરાય છે, એટલી હદે લોકો સુધી સપાટી પર યોજનાના લાભ પહોંચ્યા નથી.’
 
તેઓ આ વાતને ઉદાહરણ આપતા સમજાવે છે, “રાજ્યમાં મફત વીજળી માટેની યોજના પણ લાગુ છે. પરંતુ એનો અમલ એવી રીતે કરાય છે કે જેનાથી સરકારની મંશા પર સવાલ ઊઠે છે. મફત વીજળીની યોજના લાગુ કરવાની સાથે વીજબિલ બે મહિનાના અંતરાલમાં મોકલવાનું શરૂ કરી દેવાયું છે. જેથી જેટલાં યુનિટો માટે છૂટ લાગુ હોય છે, તે મર્યાદા કરતાં વધુ યુનિટ પહોંચી જાય છે, અને અંતે લોકો છૂટથી વંચિત રહી જાય છે. આ વાત ખરેખર લોકોનું વીજબિલ ઘટાડવાની સરકારની ઇચ્છાશક્તિ પર જ સવાલ ઉઠાવે છે. આ વાત લોકો સમજી ગયા હતા.”
 
આ સિવાય ત્રિભુવન વધુ વાત કરતાં કહે છે કે, “બરાબર આવી જ વ્યૂહરચના ચિરંજીવી સ્વાસ્થ્ય યોજના અને અંગ્રેજી શિક્ષણ માટેની યોજનામાં પણ લાગુ કરાઈ છે. આનાથી લાભાર્થીઓને લાભ થવાના સ્થાને ઊલટાનું અમુક કિસ્સામાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.”
 
સચીન પાઇલટ સાથે ખટરાગ અને વ્યવસ્થાતંત્રની ખામીઓ
 
નોંધનીય છે કે પાછલા ઘણા સમયથી રાજ્યમાં અશોક ગેહલોત અને સચીન પાઇલટના સમર્થકો વચ્ચે ‘સત્તાસંઘર્ષ’ અને ‘આંતરવિગ્રહ’ના સમાચાર આવી રહ્યા હતા.
 
નોંધનીય છે કે ગત વર્ષે ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના અધ્યક્ષની ચૂંટણી માટે અશોક ગેહલોત ઝંપલાવાના હતા. પરંતુ રાજ્યમાં તેમના અનુગામીની વાત અને કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે ‘ભારમુક્ત’ કરવાની વાત અંગે ધારાસભ્યોએ ‘બળવો પોકારતાં’ તેમણે આ રેસમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું.
 
આ સિવાય અવારનવાર અશોક ગેહલોત અને સચીન પાઇલટ વચ્ચે ‘મતભેદ-મનભેદ’ અને તેમના સમર્થકો વચ્ચે ‘ઘર્ષણ’ના સમાચાર આવતા રહેતા. જેના કારણે નિષ્ણાતોનું માનવું છે કે પાર્ટીના વ્યવસ્થાતંત્રનું માળખું જોઈએ એટલું મજબૂત જળવાઈ શક્યું નહોતું.
 
ત્રિભુવન જણાવે છે કે, “સચીન પાઇલટ સાથેના વિવાદને કારણે પાર્ટીના જાટ મતદારો વિમુખ થઈ ગયા હતા. જેનું નુકસાન થયું.”
 
“આ સિવાય જીત સુનિશ્ચિત કરવા માટે કૉંગ્રેસ પાસે વ્યવસ્થાતંત્રનું માળખું ભાજપ જેટલું મજબૂત નથી, એ પણ માનવું જ રહ્યું.”
 
સત્તાપલટાનું જાહેર વલણ
 
ઉપરોક્ત કારણો સિવાય એ પણ નોંધવું ઘટે કે રાજ્યમાં છેક વર્ષ 1998થી વિધાનસભાની ચૂંટણીમાં સતત ભાજપ-કૉંગ્રેસ બંનેને વારાફરતી તક મળતી હોવાનું વલણ જોવા મળ્યું છે.
 
આ વલણ અને એ પાછળની જાહેર માનસિકતા અંગે વાત કરતાં ત્રિભુવન કહે છે કે, “રાજસ્થાનનો મતદાર પરિપક્વ છે. એને લોકશાહીની મજા માણતા આવડે છે. તેથી દરેક ચૂંટણીમાં સત્તાપક્ષની સામે જનાદેશ આપે છે. જેથી કોઈ નેતા જનતાને હળવાશથી લેવાની ભૂલ ન કરે.”
 
તેઓ કહે છે કે, “કોઈ પણ પાર્ટી કે નેતાની સત્તા મર્યાદિત રાખવા માટે જનતા આવું કરતી હોય છે. અને રાજસ્થાનમાં વર્ષોથી આ વલણ દેખાય છે. રાજસ્થાનની જનતા નથી ઇચ્છતી કે નેતા તેમને ન ગણકારે અને વર્ષો સુધી શાસન કર્યા બાદ શાંતિપૂર્વક માત્ર સત્તા ભોગવતા રહે. અહીં મતદાર સર્વોપરી છે.”
 
આ સિવાય રાજ્યમાં ચૂંટણીના વર્ષે અને એ પહેલાં પણ ‘સાંપ્રદાયિક માહોલ’ને વેગ આપવાના પ્રયત્નો કરાયા હોવાના દાવા કરાય છે. શું આ વાતની અસર ચૂંટણીનાં પરિણામો પર પડી છે કે કેમ? આ પ્રશ્નના જવાબમાં તેઓ કહે છે, “રાજસ્થાનમાં સાંપ્રદાયિક માહોલ સર્જવાના પ્રયાસોની અસર થતી નથી. કારણ કે જ્યારે વિશ્વમાં બિનસાંપ્રદાયિકતાની માત્ર વાતો થતી ત્યારે અહીં આ મૂલ્યો અનુસરાતાં હતાં. રાજસ્થાનનો મુસ્લિમ અને ત્યાંના હિંદુની ભાષા, જીવનશૈલી અને સંસ્કૃતિમાં ભારે સમાનતા છે. આ બંને જૂથોમાં ત્યાં ઝાઝો ભેદ નથી. તેથી સાંપ્રદાયિક તત્ત્વો અને તેમના પ્રયત્નો ઝાઝી અસર જન્માવી શકતાં નથી.”

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર