ફૂટબોલ ઇતિહાસના અત્યાર સુધીના શ્રેષ્ઠતમ અને સૌથી લોકપ્રિય ખેલાડીની વાત કરવામાં આવે તો તેમાં ની:શંકપણે પેલેનું નામ સૌથી પહેલા યાદ આવે. ફૂટબોસલની રમતમાંથી નિવૃત્તિ લીધાને તેને વર્ષો વીતી ગયા પણ આજની પેઢીના ફૂટબોલ રસિયાઓના માનસ પર આ મહાન ખેલાડીનું નામ છવાયેલું છે. આમ તો તેના માતાપિતાએ તેનું નામ એરાંતીસ નાસિમેંતો પાડ્યું, પરંતુ દુનિયાભરમાં તે ઓળખાયો પેલેના નામથી. ફૂટબોલના બાદશાહ એવા પેલેએ તેની સમગ્ર કારકિર્દી દરમિયાન 1281 ગોલ કર્યા. તેનો આ વર્લ્ડ રેકોર્ડ આજેય અકબંધ છે.
તેની રમતના દિવાનાઓએ તેના નામે ન જાણે કેટલીય કવિતાઓ-વાર્તાઓ લખી છે, તેમના જન્મસ્થાને એક મોટી મૂર્તિ પ્રસ્થાપિત કરી છે. એટલું જ નહીં બ્રાઝીલના ઘણા માર્ગો, શાળા અને હોસ્પિટલો પણ આ ખેલાડીના નામે જ બનાવવામાં આવી છે. બ્રાઝીલમાં તેમના નામે ટપાલ ટીકીટ પણ બહાર પાડવામાં આવી છે.
તેમણે ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. તેમની પહેલી ફિલ્મ હતી એસ્કોય ફ્રોમ વિકટરી. તેમની આત્મકથા માય લાઈફ એન્ડ બ્યુટીફૂલ ગેમ વિશ્વના સર્વકાલીન બેસ્ટસેલર પુસ્તકોમાં ગણાય છે. પેલેએ બ્રાઝીલના રમતગમત મંત્રી તરીકે પણ ફરજ નીભાવી છે.
પેલેના ફૂટબોલમાં યોગદાનને બિરદાવવા માટે કદાચ શબ્દો પણ ઓછા પડે. પેલ માટે ફૂટબોલનો હિરો એ શબ્દ પણ ક્ષુલ્લક જણાય. પેલેએ તેમની રમત દ્વારા માત્ર પોતે જ નહીં પણ ફૂટબોલની રમતને પણ એક નવી ઉંચાઈ બક્ષી. પોતાના દેશને સતત ત્રણ વિશ્વકપ જીતાડવાનું પરાક્રમ તો માત્ર પેલે જેવો ખેલાડી જ કરી શકે.
તેઓ સમગ્ર કારકિર્દી દરમિયાન ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરતા રહ્યા અને ફૂટબોલની રમતમાં નવી શૈલી, નવી ટેકનીકનો આવિષ્કાર કરતા રહ્યા. ફૂટબોલને સ્પર્શવાથી લઈને, તેને પાસ કરવા, આગળ લઈ જવા કે કિક મારવા જેવી દરેક બાબતમાં કંઈક નવું કરતા રહેવાનું, કંઈક નવું ઉમેરતા રહેવાનું તેઓ સામર્થ્ય ધરાવતા હતા. તેમની રમતમાં દર વખતે એક નવી તાજગી જોવા મળતી હતી. તેમના પ્રશંસકોને પણ ક્યારેક પેલે જૂની બિબાઢાળ શૈલીમાં જ રમતો હોવાનું લાગતું નહીં.
એટલું જ નહીં પેલેએ તેમની 22 વર્ષ લાંબી ફૂટબોલ કારકિર્દી દરમિયાન ફૂટબોલની રમતની સાથે વિશ્વ બંધુત્વની ભાવનાનો પણ પ્રચાર પ્રસાર કર્યો. તેમની આ ઉમદા ભાવનાને લીધે સંયુક્ત રાષ્ટ્રમાં બ્રાઝીલના પ્રતિનિધિ જે.બી.પિનહીરોએ કહ્યું હતું કે પેલેએ મૈત્રી અને વિશ્વ બંધુત્વના પ્રચાર માટે વિશ્વના કોઈ પણ વ્યક્તિથી વધુ કાર્ય કર્યુ છે.
1970માં પેલે લાગોસમાં ફૂટબોલ રમવા જવાના હતા ત્યારે યુદ્ધગ્રસ્ત નાઈજીરીયાએ માત્ર પેલેની રમત નીહાળી શકે તે હેતુસર યુદ્ધવિરામની જાહેરાત કરી. બ્રાઝીલના રાષ્ટ્રપતિએ પેલે યુરોપિયન ક્લબમાંથી ન રમવા લાગે તે માટે તેને રાષ્ટ્રીય સંપતિ જાહેર કરી દિધો. તો સેંટોસના માર્કોના સ્ટેડિયમ ખાતે પેલેએ કરેલા એક હજારમા ગોલની યાદમાં દર વર્ષે 19 નવેમ્બરે પેલે દિવસની ઉજવણી કરવામાં આવે છે. કોઈ પણ રમતના કોઈ પણ ખેલાડીને કદાચ ક્યારેય આટલું સન્માન મળ્યું નહીં હોય. તેમની સમગ્ર કારકિર્દી અપ્રતિમ સિદ્ધીઓથી છલકાય છે.
ફૂટબોલમાંથી નિવૃત્તિ લીધા પછી પેલેએ સંયુક્ત રાષ્ટ્ર અને યુએનમાં બ્રાઝીલનું પ્રતિનિધિત્વ કર્યુ. આજે વિશ્વનો દરેક નવોદિત ફૂટબોલ ખેલાડી પેલે જેવા બનવાનું સપનું ધરાવે છે. પણ પેલે જેવા યુગપુરૂષ ખેલાડીઓ આ ધરતી હજારો વર્ષોમાં એક વખત અવતરે છે. 23 ઓક્ટોબર 1940ના રોજ ટ્રેસ કોરકોસમાં જન્મેલા પેલેની પ્રતિભા બહાર લાવવાનું શ્રેય બ્રાઝીલના પૂર્વ ખેલાડી વાલ્દેમા ડિ બ્રેટોના ફાળે જાય છે.
16 વર્ષની ઉંમરે પેલેએ એંટોસ તરફથી એફ.સી. કોરીનથીયાંસ વિરૂદ્ધ તેનો પહેલો સત્તાવાર ગોલ કર્યો. 1958માં 17 વર્ષની નાની ઉંમરે તેણે પહેલી વખત વિશ્વકપમાં ભાગ લીધો. સમગ્ર વિશ્વ આ યુવાનની રમત જોઈને આશ્વર્યચકિત થઈ ગયું. સોવિયેત સંઘ વિરૂદ્ધ ત્રીજી મેચમાં તેના શાનદાર પ્રદર્શને બ્રાઝીલની ટીમમાં તેનું લાંબા ગાળા માટે સ્થાન પાક્કું કર્યું.
1957માં પેલેએ 127 ગોલ કર્યા, 1961માં 110 ગોલ કર્યા. 1962માં ચીલી ખાતે રમાયેલા વિશ્વકપની પહેલી જ મેચમાં પેલે ઈજાગ્રસ્ત થતા તે વિશ્વકપની બાકીની મેચો ચૂકી ગયા. જો કે 1962ના વિશ્વકપમાં બ્રાઝીલના વિજયને પ્રેક્ષક તરીકે નીહાળનાર પેલેએ 1966ના વિશ્વકપ માટે કમર કસી.
1970ના વિશ્વકપમાં પેલેએ વિશ્વકપમાં બ્રાઝીલ તરફથી સોમો ગોલ નોંધાવ્યો. સતત ત્રણ વખત વિશ્વકપ જીત્યા પછી બ્રાઝીલની ટીમે જૂલ્સ રીમેટ કપ જીત્યો ત્યારસુધી પેલે એક જીવંત દંતકથા બની ચૂક્યા હતા. વિશ્વકપ ફાઈનલના બીજા દિવસે વિશ્વના અગ્રગણ્ય અખબારોમાંથી એક ગણાતા સન્ડે ટાઈમ્સે પેલેને ભગવાન સાથે સરખાવ્યો.
પેલેએ તેમની કારકિર્દીમાં 6 વખત 5 ગોલ, 30 વખત 4 ગોલ અને 92 વખત ત્રણ ગોલ કર્યા. 1964માં બોટાફોગો વિરૂદ્ધ એક મેચ દરમિયાન પેલેએ 8 વખત નેટ પાછળ ધકેલી હતી. કુલ 1363 મેચોમાં 1281 ગોલ નોંધાવનાર પેલેએ 92 વખત બ્રાઝીલ ટીમનું પ્રતિનિધિત્વ કર્યું. 1974માં પેલેએ ફૂટબોલમાંથી નિવૃત્તિ સ્વીકારી. જો કે તેના એક વર્ષ પછી તેણે અમેરીકામાં ફૂટબોલની રમત લોકપ્રિય બનાવવાના ઉમદા આશયથી ન્યૂયોર્કના કોસમોસ ક્લબ તરફથી ફરીવાર રમવાનું શરૂ કર્યું. અંતે 1977માં હંમેશા માટે તેણે તેના કિકિંગ શૂઝ કાઢી નાંખ્યા.
ખેલ પ્રેમીઓ પેલેને ફૂટબોલના મહાનતમ ખેલાડી તરીકે બિરદાવે છે. પણ બહુ ઓછા લોકો લોકોને ખબર છે કે નાનપણમાં ગરીબીના લીધે પેટ ભરવા બૂટપોલીશ કરતા હતા. ક્યારેક લોકોના બૂટ ચમકાવતો પેલે આગળ જતા પોતે આ દુનિયાનો ચમકતો સિતારો બની ગયો.