ધર્મયાત્રાની આ કડીમાં અમે તમને આ વખતે પુણ્ય સલિલા નર્મદા નદીના કિનારે આવેલ નગર નેમાવરના પ્રાચીન સિદ્ધનાથ મહાદેવના દર્શને લઈ જઈએ છીએ. મહાભારતકાળમાં નાભિપુરના નામથી પ્રખ્યાત આ નગર વ્યાપારિક કેન્દ્ર હતું પરંતુ હવે તેણે પર્યટનનું રૂપ લઈ લીધું છે. રાજય શાસનના રેકોર્ડમાં આનું નામ નાભાપટ્ટમ હતું. અહીંયા નર્મદા નદીનું નામ નાભિ છે.
એવી લોકવાયકા છે કે સિદ્ધનાથ મંદિરની સ્થાપના ચાર સિદ્ધ ઋષિ સનક, સનન્દન, સનાતન અને સનતકુમારે સતયુગમાં કરી હતી. એટલા માટે આ મંદિરનું નામ સિદ્ધનાથ પડ્યું છે. આના ઉપરના સ્તર પર ઓમકારેશ્વર અને નીચેના સ્તરે મહાકાલેશ્વર છે.
એવી માન્યતા છે કે આના શિખરનું નિર્માણ ઈ.સ.પુર્વે 3094માં કરવામાં આવ્યું હતું. દ્વાપર યુગમાં કૌરવ દ્વારા આ મંદિરને પુર્વમુખી બનાવવામાં આવ્યું હતું જેને પાંડવ પુત્ર ભીમે પોતાના બાહુબળથી પશ્ચિમ મુખી કરી દિધું હતું.
W.D
એક લોકવાયકા એવી પણ છે કે સિદ્ધનાથ મંદિરની પાસે નર્મદા કિનારાની રેતી પર સવાર સવારમાં મોટા-મોટા પગલાં દેખાય છે જ્યાં રક્તપિત્તના રોગીઓ આળોટે છે. ગામના ઘરડાઓનું માનવું છે કે પહાડીની અંદર ગુફાઓમાંથી, કંદરાઓમાંથી તપસ્વી સાધુઓ અહીંયા સવારે નર્મદા નદીમાં સ્નાન કરવા માટે આવે છે. નેમાવરની આજુબાજુ અનેક વિશાળકાયના પુરાતાત્વિક અવશેષો હાજર છે.
હિંદુ અને જૈન પુરાણમાં આ સ્થળનો ઘણી વખત ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આને બધા જ પાપોનું નાશ કરનાર સિદ્ધદાતા તીર્થસ્થળ માનવામાં આવે છે.
નર્મદાના કિનારે આવેલ આ મંદિર હિંદુ ધર્મની આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે. 10મી અને 11મી સદીના ચંદેલ અને પરમાર રાજાઓએ આ મંદિરનો જીર્ણૉદ્ધાર કર્યો હતો જે એક સ્થાપત્ય કલાનો બેજોડ નમુનો છે. મંદિરને જોવાથી જ મંદિરની પ્રાચીનતાનો ખ્યાલ આવી જાય છે. મંદિરના થાંભલાઓ અને દિવાલો પર શિવ, યમરાજ, ભૈરવ, ગણેશ, રૂદ્રાણી અને ચામુંડાની ખુબ જ સુંદર મૂર્તિઓ કંડારેલી છે.
W.D
અહીંયા શિવરાત્રી, સંક્રાંતિ, ગ્રહણ, અમાવસ વગેરે જેવા અવસરો પર શ્રદ્ધાળુઓ સ્નાન-ધ્યાન કરે છે. સાધુ મહાત્મા પણ આ પવિત્ર નર્મદા માતાના દર્શનનો લાભ લે છે.
ઈંદોરથી માત્ર 130 કિ.મી. દૂર દક્ષિણ-પૂર્વમાં હરદા રેલ્વે સ્ટેશનથી 22 કિ.મી તેમજ ઉત્તર દિશામાં ભોપાલથી 170 કિ.મી. પૂર્વ દિશામાં આ નેમાવર મંદિર આવેલ છે. અહીંયા નર્મદા નદીનો તટ લગભગ 700 કિ.મી. જેટલો છે.