છેલ્લા ઘણા સમયથી અનામાતની માંગ કરી રહેલા પાટીદાર અનામત આંદોલન સમિતિે(પાસ) હવે આંદોલનને ઉગ્ર બનવવા માટે આજે પાલનપુરમાં મુંડન કાર્યક્રમ યોજ્યો હતો. આજે મુંડન કાર્યક્રમ હોવાથી સવારથી જ કાર્યક્રમ સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. જોકે, પાટીદારોએ પોલીસને થાપ આપીને અન્ય જગ્યાએ કાર્યક્રમ ગોઠવી દીધો હતો અને રેશ્મા પટેલની હાજરીમાં પાસના કન્વીનર અતુલ પટેલ સહિત 11 પાટીદારોએ મુંડન કરાવ્યું હતું અને ભાજપ સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
પાટીદારો આજે પાલનપુરના ગુરુનાનક ચોકમાં મુંડન કાર્યક્રમ કરવાના હતા. જોકે, ત્યાં સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જેથી પાટીદારોએ પોતાનું સ્થળ બદલી નાંખ્યું હતું અને પાલનપુર હાઈ-વે પર આવેલી બાલાજી સોસાયટીના એક ખાનગી હોલમાં આ કાર્યક્રમ યોજી દીધો હતો. હવે તો યોગી ચોક જઈને વિરોધ પ્રદર્શન કરશે.
પાટીદારોનો મુંડન કાર્યક્રમ સફળ થયો છે અને હવે તેને જિલ્લા-તાલુકા મથકથી ગ્રામિણ વિસ્તારમાં પણ લઇ જવામાં આવશે. આ સિવાય રાજ્યભરમાં બીજેપી સરકારના બેસણાનો કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
ઉલ્લેખની છે કે પાટીદાર અનામત આંદોલનને લઈને પાલનપુરમાં બુધવારે સામૂહિક મુંડન કાર્યક્રમની (પાસ)એ જાહેરાત કરી હતી, પરંતુ ભાજપનો સ્થાપના દિવસ હોવાથી ‘મા અન્નપૂર્ણા’ યોજનાનો કાર્યક્રમ રામલીલા મેદાનમાં યોજાવાનો છે. આમ બે કાર્યક્રમ હોવાથી મુંડનના કાર્યક્રમને વહીવટી તંત્રે મંજૂરી આપી નથી અને જો મંજૂરી વિના કાર્યક્રમ થશે તો કાર્યવાહી હાથ ધરાશે તેમ તંત્રે જણાવ્યું છે.
આ કાર્યક્રમને લઈને સોશિયલ મીડિયા પર કેટલાક પોસ્ટર ફરતા થયા છે, જેમાં અતુલ પટેલના ફોટા સાથે સમૂહ મુંડન કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી રહી છે. જેમાં આજની તારીખ આપવામાં આવી છે અને પાલનપુરમાં કાર્યક્રમનું સ્થળ પણ લખવામાં આવ્યું છે.
પાટીદાર અનામત આંદોલન છેલ્લા 6 મહિનાથી ચાલી રહ્યું છે. જેમાં પાટીદારોને અનામત આપવા તેમજ જેલમાં બંધ હાર્દિક પટેલ સહિતના પાટીદારોનો જેલમાંથી છોડી મૂકવાની માંગ સાથે સરકારને અનેકવાર રજૂઆત કરવામાં આવી છે. તેમ છતા તેનું પરિણામ નથી આવ્યું.
એસપીજીએ જાહેર કરેલા જેલભરો કાર્યક્રમને પાટીદાર અનામત આંદોલન સમિતિ તરફથી અગાઉ ટેકો જાહેર કરવામાં આવ્યો છે. જેલભરો કાર્યક્રમ 17મી એપ્રિલે મહેસાણામાં યોજાનાર છે. એસપીજીએ કાર્યક્રમ જાહેર કર્યા બાદ પાસ તરફથી આ પહેલીવાર જાહેરમાં સમર્થન કરાયું છે. નોંધપાત્ર છે કે, મહેસાણામાં પાટીદાર મહિલા સંમેલન બાદ પાસ અને એસપીજી વચ્ચે ખાઇ સર્જાઇ હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું.