14મીથી પાટીદાર આંદોલનની શરુઆત થશે.

શનિવાર, 30 જુલાઈ 2016 (12:57 IST)
પાટીદાર અનામત આંદોલન અને ત્યાર બાદ દલિત અત્યાચાર સામેના આંદોલનને લઈને રાજ્યમાં ભાજપ સરકારની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ત્યારે હવે ભાજપના જ સાંસદ અને પુર્વ કેન્દ્રીય મંત્રીએ આદીવાસીઓના હિતોને લઈને રાજ્ય સરકાર સામે નવો મોરચો માંડવાની ચેતવણી આપતા  રાજ્ય સરકારની ઊંઘ હરામ થઈ ગઈ છે.

ભાજપના સાંસદ અને પુર્વ કેન્દ્રીય મંત્રી મનસુખ વસાવાએ સરકારને ચેતવણી આપતા જણાવ્યુ હતુ કે મને હોદ્દાની કોઈ જ ચિંતા નથી, મને માત્ર આદીવાસી સમાજની ચિંતા છે. હું સત્યની વાતને વળગી રહ્યો છુ અને હવે હું સ્વતંત્ર છું મને કોઈ રોકી શકે તેમ નથી. વસાવાએ વધુમાં જણાવ્યુ હતુ કે આદીવાસી સમાજના પ્રશ્નો ઘણા મોટા છે. ગુજરાતમાં આદિવાસીઓ જાનવર જેવુ જીવન જીવી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા આદિવાસી સમાજના પ્રશ્નો અંગે કોઈ ધ્યાન આપવામાં આવતુ નથી. ત્યારે જો રાજ્ય સરકાર સત્વરે જાગીને આદિવાસી સમાજના પ્રશ્નોનો ઉકે નહી લાવે તો આગામી સમયમાં આ મામલે ઉગ્ર આંદોલન કરતા પણ ખચકાઈશું નહી.

વસાવાએ વધુમાં જણાવ્યુ હતુ કે રાજ્યમાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આદિવાસીઓ માટેના કાયદા અલગ અલગ છે. સરકાર તેમના પ્રશ્નો પ્રત્યે ધ્યાન આપી રહી નથી. ત્યારે મારે મજબુરીમાં કડક શબ્દોમાં બોલવુ પડી રહ્યુ છે. હું હંમેશા સત્યની સાથે હતો અને આજે પણ સત્યની સાથે જ છું, પણ પાર્ટી છોડવાનો નથી. વસાવાએ રાજ્ય સરકારને કડક ભાષામાં ચેતવણી આપતા જણાવ્યુ હતુ કે આદીવાસીઓના પ્રશ્નોનો સત્વરે ઉકેલ લાવો નહીંતર આંદોલનના માર્ગે જવુ પડશે. આદીવાસીઓએ જમીન આપી એટલે ડેમ બન્યા, આખા ગુજરાતને પાણી મળી રહ્યુ છે. પરંતુ તે માટે સૌથી વધુ ભોગ આપનાર આદિવાસીઓને જ આજે પીવાનુ પાણી પણ મળતુ નથી. ત્યારે જો આદિવાસીઓના પ્રશ્નો નહી ઉકેલાય તો હું તેમના હકો માટે છેક સુધી લડીશ.

વેબદુનિયા પર વાંચો