પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા અને પાસના કન્વીનર હાર્દિક પટેલનો આવતી કાલે છૂટકારો થાય તેવા સંકેતો હાલ મળી રહ્યા છે. હાર્દિક પટેલના પિતા ભરતભાઈ પટેલ અને સરકાર અને પાટીદારો સાથે મધ્યસ્થી કરી રહેલા પોરબંદરના સંસદસભ્ય વિઠ્ઠલભાઈ રાદડિયા આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી આનંદીબેન પટેલને મળ્યા હતા અને હાર્દિકની 27 મુદ્દાઓની માગ સાથેનું કવર મુખ્યમંત્રીને આપવામાં આવ્યું હતું. આ મુદ્દે સરકારનું વલણ હકારાત્મક હોવાનો દાવો વિઠ્ઠલ રાદડિયાએ કર્યો છે. એટલું જ નહીં, હાર્દિકે પ્રદેશ ભાજપ અધ્યક્ષ વિજય રૂપાણીને લખેલો પત્ર બંધ કરવામાં વિજય રૂપાણીને આપવામાં આવ્યો છે. હાર્દિકના મુદ્દાઓ પર 2-3 દિવસમાં વિચારણા કરી રાજ્ય સરકાર ફરી સમાધાન સમિતિ સાથે બેઠક કરશે, તેવો દાવો રાદડિયાએ કર્યો છે.
બે દિવસ પહેલાં જ 9 માર્ચે હાર્દિક પટેલ સહિતના ચારેય પાટીદાર આગેવાનોને રાજદ્રોહના કેસમાં જામીન મળી જશે, તેવી વાતો સામે આી હતી. પાસના પ્રવક્તા વરૂણ પટેલે આ સંકેત આપતાં કહ્યું હતું કે, પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ) સાથે સમાધાનના મુદ્દે 9મી તારીખ સુધીમાં સરકાર હકારાત્મક વલણ લેશે. ત્યારે આજે ભરત પટેલ ગાંધીનગર પહોંચતા આ શક્યતા વધી રહી છે.
અગાઉ વરૂણ પટેલે ચીમકી પણ આપી છે કે, જો સરકાર સમાધાનમાં પીછેહઠ કરશે તો પાટીદાર સમાજમાં આક્રોશ વધુ ઉગ્ર બનશે. પાસના પ્રવક્તા વરૂણ પટેલે શનિવારે જણાવ્યું હતું કે, અમને 9મી તારીખની મુદત આપી છે અને આશા છે કે ત્યાં સુધીમાં સરકાર હકારાત્મક વલણ લેશે. 9 માર્ચની મુદતમાં સરકાર હાર્દિક સહિતના જેલમાં બંધ પાટીદારોના જામીનનો સરકાર વિરોધ નહીં કરે અને એ રીતે પાટીદાર સમાજમાં એક સારો મેસેજ આપી શકશે. તેમણે ઉમેર્યું કે આ રીતે પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ) સાથે સરકાર સાચા અર્થમાં સમાધાન કરવા માગે છે તેવું સ્પષ્ટ થશે. જો સરકાર જામીન અરજીનો વિરોધ કરશે તો સરકાર સમાધાનના નામે પાટીદાર સમાજને ગુમરાહ કરી રહ્યો છે તેમ માનીશું.
ગુજરાત સરકારે પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ) સાથે સમાધાન કરવા માટે પહેલાં ઉમિયાધામ સીદસરના જેરામભાઈ પટેલને અને પછી સૌરાષ્ટ્ર પાટીદાર સમાજના નેતા એવા પોરબંદરના સંસદસભ્ય વિઠ્ઠલ રાદડિયાને મેદાનમાં ઉતાર્યા છે. રાદડિયા સુરતની જેલમાં બંધ હાર્દિક પટેલને બે વાર મળી ચૂક્યા છે અને તેમણે મુખ્યમંત્રીને મળ્યા બાદ ટૂંક સમયમાં હાર્દિક સહિતના પાટીદારોને જેલમાંથી મુક્ત કરાશે તેવી જાહેરાત કરી હતી.