હાર્દિકનો હૂંકાર, અનામત નહીં આપોતો ઝૂંટવીને લઈ લઈશું

બુધવાર, 18 જાન્યુઆરી 2017 (09:34 IST)
હાર્દિક પટેલના આગમન સાથે જ જય પાટીદારના નારા લાગ્યા. હાર્દિક પટેલ લાલ સાફામાં સભાસ્થળે પહોંચ્યો. મોટી સંખ્યામાં પાટીદારો હાર્દિક પટેલને સાંભળવા માટે ભેગા થયા છે. જેને પગલે પોલીસ દ્વારા ખુબ તકેદારી રાખવામાં આવી રહી છે. ફૂલ અને સાથે સાથે હળ આપીને હાર્દિકનું સ્વાગત કરાયું. હાજર મેદનીએ સતત જય પાટીદારના નારા લગાવ્યાં.આ લડાઈ એ સમાજના હિત માટેની લડાઈ છે. ગુજરાતની અંદર 1કરોડ 20 લાખ પાટીદારોને આઝાદ ભારતમાં પહેલીવાર કઈક માંગવું પડ્યું. આ લડાઈની અંદર એ લોકોએ સૌનું જીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું. અનેક લોકોને તડીપાર કરી નાખ્યાં. આપણે હાર્દિકની પેઢીમાંથી નીકળેલી અનામત નથી લેવાની. ભારતના બંધારણે આપેલી અનામત માંગી રહ્યાં છીએ. બાબા સાહેબ આંબેડકરે જે જરૂરિયાતમંદોને બંધારણમાં અનામત આપી તે અનામત લેવાની છે. જો કલેક્ટરનો કોઈ દીકરો એસટી એસસીનો ઉપયોગ કરીને નોકરી મેળવશે તો અમને આનંદ થશે. આ લડાઈ કોઈ વ્યક્તિને સત્તા પરથી ઉતારવા માટેની નથી. આ લડાઈ દરેક માટે છે. અમે કોઈ પણ અનામત ધરાવતા સમાજનો વિરોધ નથી કરતા. હાર્દિકે હૂંકાર કર્યો કે અનામત તો લેવાની જ છે જો આપશે નહીં તો ઝૂંટવીને લેવાની છે. યુવાનો પોતાનો હક માંગતા થયા તે જ આ લડાઈની ફળશ્રુતિ છે. હાર્દિકે એ પણ ઉલ્લેખ કર્યો કે મેં ક્યારેય અનામતના નામે ફંડની માગણી કરી નથી. અનામતની આ લડાઈએ યુવાઓમાં જાગૃતિ જગાડવાનું કામ કર્યું છે. આ લડાઈ એ કોઈ ઉશ્કેરણી માટે નથી પરંતુ હક માટેની છે દરેક સમાજ માટે છે. સરકાર કહે છે કે તું કાયદાથી લડ, હું કાયદા સાથે લડવા માટે તૈયાર છું. કહે તે પ્રકારે લડાઈ લડવા તૈયાર છું. આ લડાઈમાં બધાએ  એકસાથે થઈને સાથ સહયોગ આપવો પડશે. હું સાચો છું એ મારે કહેવાની જરૂર નથી. સાચો છું એટલે જ બધા અહીં ભેગા થયા છે. વાદ વિવાદને ભૂલીને હું ભલે ન ગમતો હોઉ તો પણ બધા એક થઈએ.
પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલ છ મહિનાના વનવાસ બાદ ગુજરાતમાં એન્ટ્રી મારી છે. હાર્દિકની ગુજરાતમાં એન્ટ્રીની સાથે જ વિવિદો શરૂ થઈ ગયા છે. મળતી માહિતી પ્રમાણે હાર્દિકના સમર્થકના કાફલો જ્યારે રાજસ્થાનના ઉદેપરથી ગુજરાત તરફ આવી રહ્યો હતો ત્યારે ઉદેપુર-અમદાવાદ હાઇવે ઉપર આવેલા ટોલ પ્લાઝા હાર્દિક સમર્થકોએ ટોલ પ્લાઝાના સ્ટાફ સાથે બખેડો કરી માગણી કરી હતી કે તેમના કાફલાને મફતમાં ક્રોસ કરવા દે. મળતી માહિતી પ્રમાણે અમદાવાદ રોડ ઉપર ખેરવાડા નજીક આવેલા ટોલ નાકા ઉપર હાર્દિક પટેલના સમર્થકોએ ટોલ ફી આપવા ન્હોતા ઇચ્છતા. સમર્થકો ટોલ ફી ન આપવા માટે કર્મચારીઓ સાથે અડી ગયા હતા. ટોલકર્મચારીઓ અને હાર્દિક સમર્થકો વચ્ચે ભારે બોલાચાલી થઈ હતી. આ મામલો વધારે ઉગ્ર બનતો ગયો હતો જોકે કેટલાક સમર્થકોએ વચ્ચે પડીને મામલાને ઠારે પાડ્યો હતો. અંતમાં ટોલ રાશિ ચુકવ્યા બાદ હાર્દિકનો કાફલો ગુજરાત તરફ રવાના થઈ ગયો હતો.

વેબદુનિયા પર વાંચો