પાટીદાર આંદોલનમાં નવો વળાંક - એસપીજીના કેટલાક કન્‍વીનરો આનંદીબેન પટેલને મળ્‍યાઃ ભાજપને સાથ

ગુરુવાર, 26 નવેમ્બર 2015 (10:10 IST)
ગુજરાતની છ મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ પૂર્ણ થઈ ગઈ છે અને આગામી 29 નવેમ્બરના દિવસે જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણીઓ માટેનું મતદાન યોજાનાર છે. આવી સ્થિતિમાં નવો વળાંક આવ્યો છે. પાટીદાર અનામત આંદોલન માટે લડી રહેલી પાસ અને એસપીજી જેવી સંસ્થાઓએ ચૂંટણી સમયે ભાજપ સરકારને દેખાડી દેવાની જે હાકલ કરી હતી તેના ઉપર પાણી ફળીવળતું દેખાઈ રહ્યું છે. પાસના કન્વીનરો અને એસપીજીના કાર્યકર્તાઓ એક પછીએ આનંદીબહેન સાથે મુલાકાત કરીને ભાજપને સમર્થન આપવાના કિસ્સાઓ બહાર આવી રહ્યા છે. આવું જોતા પાસ અને એસપીજીને મોટા ફટકા પડ્યા હોય એવું લાગી રહ્યું છે. જો આવું થતું રહેશે તો મોટા ઉપાડે શરૂ થયેલું પાટીદાર અનામત આંદોલનનું કોકડું વળી જશે.
 
મળતી માહિતી પ્રમાણે ગુજરાતમાં પાટીદારો માટે કામ કરતી SPG સંસ્થા સાથે જોડાયેલી 25 જેટલી સંસ્થાઓએ મુખ્યમંત્રી આનંદીબહેનને મળીને ભાજપને સમર્થન આપવાનું કબુલ્યું હતું. આ સાથે SPGના ગુજરાત પ્રદેશ પ્રમુખ લાલજી પટેલ સાથે છેડ્યો ફાડી નાખ્યો હતો. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા વિજાપુરના પાસના કન્વીનર મનોજ પટેલ સહિત અનેક કાર્યકર્તાઓ ભાજપ સાથે જોડાયા હતા. આમ પાટીદાર અનામત આંદોલન ધીમે ધીમે નબળું પડતું જાય છે.

વેબદુનિયા પર વાંચો