પાટીદાર અનામત આંદોલનના નેતાઓમાં ફાટફૂટ પાડવામાં અને હાર્દિક પટેલને એકલો પાડી દેવામાં આખરે ભાજપ સરકાર સફળ થઈ હોય, એવું લાગે છે. પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના કન્વીનર હાર્દિક પટેલ અને તેના ત્રણ સાથીઓ કેતન પટેલ, ચિરાગ પટેલ અને દિનેશ બાંભણીયા રાજદ્રોહના આરોપમાં જેલમાં બંધ છે. આ પૈકી કેતન, ચિરાગ અને દિનેશે ફરી અનામત આંદોલનમાં ભાગ નહીં લેવાની બાંહેધરી આપવાની તૈયારી બતાવતા ત્રણેયને આજે એટલે કે ગુરુવારે શરતી જામીન મળી જશે, એવું ભાજપના સૂત્રોએ જણાવ્યું છે.
બીજી તરફ હાર્દિક પટેલની અમદાવાદ અને સુરત બંને કૉર્ટમાં જામીન અરજી ફગાવી દેવાઇ છે. તેના કારણે હાર્દિકનો હમણા જેલવાસ પૂરો થાય તેવી કોઈ શક્યતા નથી. આ પહેલાં હાર્દિક સાથે રાજદ્રોહના કેસમાં જેલમાં બંધ નિલેશ એરવડિયાને પણ જામીન મળી ગયા છે. હવે બીજા ત્રણને પણ જામીન મળી જાય તેવી શક્યતા જોતા હાર્દિક એકલો જેલમાં રહી જશે. સુરતમાં હાર્દિકના બીજા બે સાથીઓ વિપુલ દેસાઇ અને ચિરાગ દેસાઇ પણ રાજદ્રોહના આરોપ હેઠળ જેલમાં બંધ છે. બંનેની જામીન અરજી પણ ફગાવી દેવાઇ છે, પણ બંને પાસના સામાન્ય કાર્યકરો છે. કેતન, ચિરાગ કે દિનેશની જેમ હાર્દિક સાથે પહેલા દિવસથી ખભેખભા મિલાવીને અનામત આંદોલનમાં ભાગ લેનારા પાસના કન્વીનરો નથી. આમ, હાર્દિક એકલો રહી ગયો છે.
રાજદ્રોહના કેસમાં જેલમાં બંધ કેતન પટેલ, ચિરાગ પટેલ અને દિનેશ બાંભણીયાના વકીલે કૉર્ટ સમક્ષ આંદોલનમાંથી હાથ પાછો ખેંચવા તૈયાર હોવા અંગે અરજી કરશે. જો કૉર્ટ ત્રણેયને જામીન આપવા તૈયાર થશે તો તેઓ લેખિતમાં આપવા માટે પણ તૈયાર છે. વકીલના કહ્યા પ્રમાણે, હાર્દિક કેપ્ટન હતો, જ્યારે આ ત્રણેય પાટીદાર અનામત આંદોલનના કાર્યક્રમોનું આયોજન કરતાં અથવા તેને નાની-મોટી મદદ કરતાં હતાં. આવતી કાલે કેતન, ચિરાગ અને દિનેશના વકીલ દ્વારા કૉર્ટમાં આ અંગે રજૂઆત કરવામાં આવશે. હવે જોવાનું રહ્યું કે કોર્ટ તેમની જામીન અરજી મંજૂર રાખે છે કે નહીં.