હાર્દિક પટેલની જામીન અરજી પર મંગળવારે હાઇકૉર્ટમાં સુનાવણી

સોમવાર, 2 મે 2016 (23:48 IST)
રાજદ્રોહના કેસમાં આરોપી એવા હાર્દિક પટેલની જામીન અરજી પર મંગળવારે  હાઇકૉર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવાની છે. હાઇકૉર્ટના નિર્ણય પર સમગ્ર ગુજરાતની નજર છે. કેમ કે આ પહેલાં જ હાઇકૉર્ટ દ્વારા રાજદ્રોહમાં આરોપી એવી હાર્દિકના ત્રણ સાથીદારોને જામીન  મંજૂર કર્યા છે. ગયા અઠવાડીયે થયેલી સુનાવણીમાં હાઇકૉર્ટે હાર્દિકના વકીલને પૂછયું હતું કે તમે કૉર્ટમાં કોઇ લેખિતમાં ખાતરી કે બાંહેધરી આપવા માંગો છો?

પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલી હિંસા અને ઉશ્કેરણીજનક નિવેદનો બદલ જેલમાં બંધ પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના કન્વીનર હાર્દિક પટેલને આજે જામીન મળશે કે, કેમ તેના પર સૌની મીટ મંડાયેલી છે. હાર્દિકની જેમ જ રાજદ્રોહ કેસનો સામનો કરી રહેલા પાટીદાર અનામત આંદોલન સમિતિના કેતન પટેલ, ચિરાગ પટેલ અને દિનેશ બાંભણિયાને 7 મહિના પછી શુક્રવારે જામીન પર મુક્તિ મળી હતી. ગુરુવારે કેતન પટેલ, ચિરાગ પટેલ અને દિનેશ બાંભણિયાની કાયમી જામીન અરજીની સુનાવણીમાં હાઈકોર્ટના ન્યાયમૂર્તિ એ. જે. દેસાઈએ ત્રણેયને કાયમી જામીન આપવા આદેશ કર્યો હતો.
બીજી તરફ હાર્દિકના કેસમાં 3 મેના રોજ એટલે કે મંગળવારે સુનાવણી થશે. આ દરમિયાન રવિવારે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પાટીદાર આગેવાનો સાથે ચર્ચા કરી હતી. આ ચર્ચામાં હાર્દિકની મુક્તિનો મુદ્દો કેન્દ્રસ્થાને રહ્યો હતો અને મુખ્યમંત્રીનું વલણ હકારાત્મક હતું તે જોતાં મંગળવારે હાર્દિકના રાજદ્રોહના કેસમાં સરકાર નરમ વલણ અપનાવે અને તેને પણ જામીન મળી જાય તેવી શક્યતા છે.

વેબદુનિયા પર વાંચો