સાબરકાંઠામાં પાટીદારોની રેલી

સોમવાર, 9 મે 2016 (16:26 IST)
આર્થિક ધોરણે અનામતની રાજ્ય સરકારે કરેલી જાહેરાત પાટીદાર સમાજે સ્વીકારી નથી અને પોતાનું આંદોલન ચાલુ રહેશે એવું પાસ દ્વારા એલાન પણ કરી દેવાયું છે. આ પછી ઉત્તર ગુજરાતના પાટીદારોમાં પુન: સળવળાટ શરૂ થયો છે. આજે હિંમતનગરથી પાટીદાર એકતા યાત્રાનો પ્રારંભ થવાનો છે, ત્યારે સવારથી જ પાટીદારોને પ્રવાહ શરૂ થઈ ગયો છે અને થોડીવારમાં આ યાત્રા શરૂ થાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. ઉમિયા સમાજવાડી સહકારી જીનથી યાત્રાનો પ્રારંભ થશે. બીજી તરફ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

રવિવારે વિજાપુરમાં પાટીદારોની બેઠક મળી હતી અને વિવિધ નિર્ણયો લેવાયા હતા. વિસનગરના કાંસામાં ખાપ પંચાયત મોકૂફ રહી હતી, તો આજે હિંમતનગરમાં પાટીદાર એકતાયાત્રાને લઈને વહીવટી તંત્રએ સાબરકાંઠામાં મોબાઈલ નેટ પર પ્રતિબંધ મુકી દીધો છે. આમ, ઉત્તર ગુજરાતમાંથી ફરી આંદોલનને વેગ આપવાના પ્રયાસ શરૂ થયા છે, પણ આ વખતે કોઈ ચોક્કસ જાણીતા આગેવાનનો ચહેરો ન હોવાથી જિલ્લાઓમાં પોતપોતાની રીતે પાટીદારો મથી રહ્યા છે.

સાબરકાંઠા પાસ દ્વારા સોમવારે હિંમતનગરમાં પાટીદાર એકતા યાત્રાનું આયોજન કરાયું છે. ત્યારે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને રવિવારે આખરી ઓપ અપાયો હતો. શહેરમાં જિલ્લાભરની પોલીસની ફોજ ઉતારી દેવાઇ છે. રેલી સવારે 10 વાગે મોડાસીયા કડવા પાટીદાર સમાજવાડીથી નીકળી સહકારી જીન ચાર રસ્તા, પોલીટેકનીક ચાર રસ્તા થઇ જૂની જિલ્લા પંચાયતથી ટાવર સર્કલે સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર કરશે. ત્યાંથી રેલી ઓવરબ્રીજ થઇ મહાવીરનગર ચાર રસ્તા, પેલેસ રોડ થઇ હરસિધ્ધ સોસાયટીના નાકે સમાપ્ત થશે.

રેલી દરમિયાન 150થી વધુ સ્વયંસેવકો રહેશે. સાંજે 4 વાગ્યે મહાવીર નગરમાં આવેલ સી.કે.પટેલ ઉમિયાવાડી ખાતે સભાના રૂપમાં ફેરવાશે. જેમાં પાટીદાર અગ્રણીઓ દ્વારા મહિલા સશકિતકરણ, સ્ત્રી ભ્રૃણ હત્યા, બેટી બચાવો, બેટી પઢાવો તથા શિક્ષણ અંગે જાગૃતિ લાવવા સહિત હકો અને તકો સમાજનો અધિકાર છે તે અંતર્ગત માર્ગદર્શન આપશે. જેમાં વિવિધ ટેબ્લો પણ રજૂ કરાશે. બીજી તરફ તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તૈયારીઓ કરી દેવાઇ છે. જેથી રવિવારે રાતથી જ હિંમતનગર પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું છે.
સહકારી જીનથી ટાવર ચોક સહિતના વિસ્તારોમાં રવિવારથી જ પોલીસને બંદોબસ્ત માટે તહેનાત કરી દેવાયા છે. ઉપરાંત રવિવારે સાંજે પોલીસ દ્વારા ફલેગમાર્ચ કરાઇ હતી. દરમિયાન, વહીવટી તંત્ર દ્વારા રવિવાર સવારે 8 વાગ્યાથી જ મોબાઇલ ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવાઇ છે. જે મંગળવાર સવારે 7 વાગ્યા સુધી  બંધ રહેશે. ત્યારબાદ પૂર્વવત થશે. નેટ સેવા બંધ હોવાને કારણે ઇન્ટરનેટના માધ્યમથી કામ કરનારા તથા મોબાઇલ ધારકોને ખૂબ જ મુશ્કેલી વેઠવી પડી હતી.

વેબદુનિયા પર વાંચો