ભાજપમાં ધીમે ધીમે બળવો - અસંતુષ્ટ નેતાઓ પાટીદારો સાથે જોડાય રહ્યા છે ...!!

બુધવાર, 7 ઑક્ટોબર 2015 (14:24 IST)
ગુજરાત ભાજપમાં ધીમે ધીમે બળવો આકાર લઇ રહ્યો છે. ભાજપ અને સરાકારમાં સાઇડ ટ્રેક થઇ ચૂકેલા નેતાઓ એક પછી એક બહાર આવી રહ્યાં છે. ધારીના ધારાસભ્ય અને ભાજપમાં જોડાયેલા નલિન કોટડિયાએ પાટીદાર આંદોલન અને હાર્દિક પટેલના તમામ નિવેદનોને ટેકો આપી ભાજપના નેતાઓને ફીક્સમાં મૂકી દીધા છે ત્યારે મંગળવારે અમદાવાદ ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ગીતાબેન મેદાનમાં આવ્યા છે. તેમણે પાટીદાર આંદોલનને ટેકો જાહેર કર્યો છે.

ગીતાબેને કહ્યું હતું કે મહિલાઓને ન્યાય માળે તે માટે આંદોલન કરવામાં આવશે. મહિલા અત્યાચાર સામે સરકાર પગલાં ભરવામાં નિષ્ફળ રહી છે. ગીતાબેન 2007માં સાબરમતી બેઠકથી ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા હતા. તેમને ભાજપે 2012ની ચૂંટણીમાં ટીકીટ આપી ન હતી.

ભાજપમાં એવા ઘણાં નેતાઓ છે કે જેઓએ ભાજપ માટે પસીનો વહાવ્યો છે અને હાલ સાઇડ ટ્રેક થયેલા છે. ખાસ કરીને ગુજરાત પરિવર્તન ભાજપના નેતાઓ કે જેઓ પહેલાં ભાજપમાં હતા અને હવે પણ ભાજપમાં છે છતાં સાઇડટ્રેક છે તેઓ પાટીદાર આંદોલનને ટેકો આપે છે. બેચર ભાદાણી, નલિન કોટડિયા પછી ગીતાબેન પટેલ અને હવે કોણ આવશે તે સમય જ કહેશે. બાકી પરદા પાછળ તો ભાજપના નેતાઓનો અસંતોષ બળવાનું રૂપ આકાર લઇ રહ્યો છે.

ગીતાબહેન પટેલે પત્રકારોને જણાવ્યું હતું કે, અધિકારની વાત છે તો અધિકાર લઈને જ જંપીશું. મહિલાઓ પર જે અત્યાચાર થયા છે તેને અમે સાંખી લઈશું નહીં. કોઈ પણ સરકાર એક વ્યક્તિથી બનતી નથી. આજે અમે જે પણ કરીએ છીએ. પાટીદાર અનામત આંદોલનને સમર્થન આપવા પાછળનું મુખ્ય કારણ દાયકાઓથી પાછળ રહી ગયેલા લોકોને તેમનો હક આપવા માટે મારું ખુલ્લું સમર્થન છે.

લાલજી પટેલે ગીતાબહેનને આવકારતા કહ્યું કે, ગીતાબહેન જોડાયા છે તે અમારા માટે ખુશીનો દિવસ છે. અનામત અંગે મહિલાઓમાં જગૃતિ લાવવાનું કામ ઝડપી બનશે. અનામત આંદોલન અંગે પાટીદાર મહિલાઓ થાળી વેલણ લઈને પોતાનું યોગદાન આપેલ છે. તમામ પાટીદાર મહિલાઓ હવે ગીતાબહેનની સાથે જોડાશે. ગીતાબહેનના રૂપે મજબુત નેતા મહિલાઓ મળ્યા છે તેમને મહિલા મોરચાના અધ્યક્ષ બનાવવામાં આવશે. વધુમાં તેમણે કહ્યું કે દરેક પક્ષના પાટીદાર નેતાઓ તેમજ ધારાસભ્યો અને સંસદ સભ્યો, આગેવાનોને પણ અપીલ કરીએ છીએ કે તેઓ અનામત આંદોલનને સમર્થન આપે. ખોડલ મથી નીકળનારી પાટીદાર એકતા યાત્રામાં અત્યાર સુધીમાં 10000 ગાડીઓનો કાફલો જોડાવાની સમંતિ મળી છે.રાજકોટમાં રમાનારી ભારત અને દક્ષીણ આફ્રિકા મેચ અંગે તેમણે કહ્યું કે, 2000 ટીકીટનું બુકિંગ માત્ર પાટીદારોએ કર્યું છે. ટોપી, બેનર અને ટીશર્ટ પહેરીને પાટીદારો દ્વારા એકતા પ્રદર્શન કરવામાં આવશે. ચોગ્ગા અને છક્કા લાગે તો જય સરદાર બોલીશું અને ભારતની વિકેટ પડશે તો હાય હાય ભાજપ બોલીશું. કોઈને પણ અડચણરૂપ ન થાય, વર્ગ વિગ્રહ ઉભો ન થાય તે રીતે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.

વેબદુનિયા પર વાંચો