, રાજ્ય સરકારે આર્થિક રીતે નબળા હોય તેવા સવર્ણ વર્ગના લોકો માટે ખાસ ૧૦ ટકા ઈબીસીની જાહેરાત કરી છે. બીજી બાજુ ૧૦ ટકા આર્થિક અનામતનો સ્વીકાર કરી આંદોલન સમેટવું કે કેમ તેની અવઢવ પાટીદાર અગ્રણીઓમાં ચાલી રહી છે ત્યારે અા સંજોગોમાં સુરતની જેલમાં બંધ પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના કન્વીનર હાર્દિક પટેલે વધુ એક લેટર બોમ્બ ફોડ્યો છે. જેમાં તેણે જણાવ્યું છે કે સમાજને ઈબીસી જોઈએ છે કે અોબીસી તે અંગે સમાજ જ નક્કી કરશે. એટલું જ નહીં સમાધાન અંગે થઈ રહેલા પ્રયાસો અંગે હાર્દિકે એવો ખુલાસો કર્યો છે કે સમાધાન કરવા માટે જેટલા માત્ર ર૦ ટકા લોકો સક્રિય છે તેના કરતાં વધુ લોકો એટલે કે સમાજના ૮૦ ટકા લોકો સમાજને તોડવા માટે પ્રયાસ કરી રહ્યા છે. તેણે સમાજને ૧૯૮ર અને ર૦૧પની વેદનાની યાદ અપાવીને ઇશારો પણ કર્યો છે. પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ) દ્વારા પાટીદારોને અોબીસીમાં અનામત અાપવા માટે આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. આ આંદોલન ના પગલે પાસના કન્વીનર હાર્દિક પટેલ હાલ સુરતની લાજપોર જેલમાં બંધ છે. જેલમાં બેઠા બેઠા હાર્દિકે એક પછી એક અનેક લેટર મોકલીને આંદોલન અંગે જણાવ્યું છે. હાર્દિક દ્વારા વધુ એક લેટર બોમ્બ ફોડવામાં અાવ્યો છે. હાર્દિકે પાસના સહકન્વીનર નિખીલ સવાણીને ઉલ્લેખીને વધુ એક પત્ર લખ્યો છે. જેમાં તેણે જણાવ્યું છે કે જૂના જ કેસ નહીં તમામ કેસ પાછા ખેંચવામાં આવે તેવી વાતને મારું સમર્થન નથી તેવા સમાચારો પ્રસિદ્ધ થયા છે તે ખોટા છે. સમાજના નિર્દોષ યુવાનો ઉપર થયેલા તમામ કેસ પાછા ખેચવામાં આવશે. એ કેસ નવા હોય કે જૂના તેનો કોઈ મતલબ નથી. મેં અગાઉ પણ કહ્યું છે કે સમાજના યુવાનોના ભોગે કોઈ પણ સમાધાન નહીં થાય.
તેણે વધુમાં જણાવ્યું હતું કે સમાજને ઈબીસી જોઈએ છે કે ઓબીસી તે હું નહીં સમાજ જ નક્કી કરશે. જો સમાજ કહેશે કે ઈબીસી તો ઈબીસી અને ઓબીસી કહેશે તો ઓબીસી. જે કહે તે મંજૂર રાખીશું. આ ઉપરાંત સરકારે જાહેર કરેલા ઈબીસીની જોગવાઈને પણ સમજવી પડશે. હાર્દિકે વધુમાં જણાવ્યું છે કે આવા ઈસ્યુથી સમાજને તોડવાનો નથી.