પાટીદાર આંદોલનથી ભાજપને વધુ નુકશાન ન થયુ પણ કોંગ્રેસની ચાંદી-ચાંદી થઈ તો હવે હાર્દિકનું શુ ?

શુક્રવાર, 4 ડિસેમ્બર 2015 (10:22 IST)
રાજયમાં આવેલા પરિણામોથી હરખાવું કે પછી શોક રાખવો તેની અસમંજસ વચ્‍ચે હવે હાર્દિક આણી મંડળીનું શું કરવું તેના ચક્રો ગતિમાન કરી દેવામાં આવશે. શહેરી પાટીદારોએ ભાજપ પરત્‍વે વફાદારી રાખીને આખા રાજયમાં પાટીદારો ભાજપને નુકસાન કરશે તેવી ગણતરી ઊંધી પાડી હતી જયારે ગ્રામીણ વિસ્‍તારોમાં કોંગ્રેસ છવાઇ જતા પાટીદારો જ નડ્‍યા કે બીજા કારણો પણ છે તેની તપાસ થશે.
 
   આમ, હવે ગુજરાત ગ્રામ્‍યમાં કોંગ્રેસ અને શહેરમાં ભાજપ એમ 50-50માં વહેંચાઇ ગયું છે ત્‍યારે પાટીદાર અનામત આંદોલનનું શું કરવું તે બાબતે હવે ભાજપમાં ગહન ચર્ચા થશે. જયારે કોંગ્રેસ માટે તો બગાસું ખાતા પતાસું આવ્‍યું તેવી સ્‍થિતિ હોવાથી આગામી વિધાનસભાની ચૂંટણીમાં શહેરી પાટીદારો અને મતદારોને રીઝવવા અંગેની વિચારણા શરૂ થશે.
 
   પાછલા ચાર મહિના કરતાં વધુ સમયથી હાર્દિક પટેલ નામના 22 વર્ષના યુવાને સરકાર સામે માથું ઉંચક્‍યું છે. તેની તીવ્રતા ખૂબ વધી જતા સરકારે કાયદાનું શષા ઉગામીને હાર્દિક અને તેના સાથીઓને જેલભેગા કરી દીધા હતા. પરંતુ ત્‍યારે ખૂબ જ મોડું થયું હતું. પાટીદાર આંદોલન રોગની જેમ ગામડે ગામડે પહોંચી ગયું હતું. ત્‍યારબાદ ખુદ મુખ્‍યમંત્રી આનંદીબહેન પટેલે પ્રચારની કમાન પોતાના હાથમાં લઇ લીધી હતી. પરિણામો આવતાં પાટીદારો પણ બે ભાગમાં વહેંચાઇ ગયા હોવાનું સ્‍પષ્ટ થતાં હવે આગળ શું કરવું તે પ્રશ્ન ભાજપને સતાવી રહ્યો છે.
 
   હાર્દિકની ઉપર કાયદાની પકડ ઢીલી મુકાય તો સરકાર આંદોલનકારીઓ સામે ઝુકી ગઇ હોવાનું મનાશે. બીજું કે હાર્દિક આણી મંડળી સામે વધુ કડક હાથે કામ લેવાશે તો આગામી વિધાનસભાની ચૂંટણીમાં રહ્યા સહ્યા પાટીદારો પણ ચાલ્‍યા જાય તેનો ડર છે. ત્‍યારે પાટીદારોને રીઝવવા માટે સરકાર કોઇ ક્રાંતિકારી પગલું લે તેવી અંદરખાને ચર્ચા છે. બીજી બાજુ કોંગ્રેસે ગ્રામીણ વિસ્‍તારોમાં પાંચ વર્ષ સત્તા મેળવી હોવાથી સરકાર વિકાસમાં રોડા નાખે છે તેવો પ્રચાર થશે અને પાટીદારોને રીઝવવાના પ્રયાસ થશે.

વેબદુનિયા પર વાંચો