પાટીદારોને 20 કરોડની ઓફર

ગુરુવાર, 25 ફેબ્રુઆરી 2016 (15:47 IST)
ગુજરાત સરકાર અને પાટીદારો વચ્ચે સમાધાનની વાતો ચાલી રહી છે ત્યારે રાજદ્રોહના આરોપમાં જેલમાં બંધ હાર્દિક પટેલના પિતા ભરતભાઈ પટેલે ધડાકો કર્યો છે કે, 26 ઓગસ્ટના રોજ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ પરની પાટીદારોની મહારેલીમાં હાર્દિકને જતો રોકવા તેમને 20 કરોડ રૂપિયાની ઓફર થઈ હતી.

સિદસર ઉમિયાધામ ખાતે ગુરૂવારે પાટીદાર એકતા યાત્રાનો પ્રારંભ કરાયો એ પ્રસંગે બોલતાં ભરતભાઈએ કહ્યું હતું કે, કેટલાંક સ્વાર્થી તત્વોએ મને આ ઓફર કરીને કહ્યું હતું કે રોકડા પૈસા લઈ લો અને હાર્દિકને મહારેલીમાં હાજર ના રહેવા દેતા. ભરતભાઈએ કહ્યું હતું કે, તેમણે હાર્દિકને આ વાત કરી હતી પણ તેણે પૈસા લેવાનો સાફ ઈન્કાર કરી દીધો હતો. તેમણે કહ્યું હતું કે, આપણને હરામનો કોઈ પૈસો જોઈતો નથી કે બીજા પણ કોઈ પૈસા જોઈતા નથી કેમ કે આપણે આ લડત સમાજના હિતમાં ઉપાડી છે.

આ પહેલાં હાર્દિક પટેલે પણ એવો દાવો કર્યો હતો કે તેને ગુજરાત સરકારમાં મહત્વનો હોદ્દો ધરાવતા એક આઈએએસ અધિકારી દ્વારા પટેલોનું અનામત આંદોલન સમેટી લેવા માટે 1200 કરોડ રૂપિયાની ઓફર કરાઈ હતી. હાર્દિકે પોતે આ ઓફર નકારી કાઢી હતી અને તેના કારણે સુરતની લાજપોર જેલમાં પોતાના પર અત્યાચારો ગુજારાઈ રહ્યા છે તેવો પત્ર થોડા સમય પહેલાં હાર્દિકે લખ્યો હતો.

અલબત્ત હાર્દિકે આ આઈએએસ અધિકારી કોણ છે તેની સ્પષ્ટતા નહોતી કરી. હાર્દિક પટેલના પિતા ભરતભાઈ પટેલે પણ પોતાને 20 કરોડ રૂપિયાની ઓફર કોણે કરી હતી તેનું નામ જાહેર કર્યું નથી.

વેબદુનિયા પર વાંચો